તાપી: ધોધમાર વરસાદ દરમિયાન જ્યાં અનેક ખેતરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી, ત્યાં વ્યારા તાલુકાના બેડકુવાદુર ગામના યુવા ખેડૂત પ્રતિકભાઈ ચૌધરીના ખેતરમાં વરસાદી પાણી ઝડપથી જમીનમાં શોષાઈ ગયું. પ્રતિકભાઈ આ સફળતાનું શ્રેય પ્રાકૃતિક ખેતી અને જમીનમાં વધેલા અળસિયાંને આપે છે.
તેઓ કહે છે કે પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ જમીન વધુ પોચી, સજીવ અને પોષણક્ષમ બની છે. અળસિયાં દ્વારા જમીનમાં બનેલી કુદરતી નળીઓના કારણે વરસાદી પાણી સરળતાથી જમીનમાં ઉતરી જાય છે. તેમના જણાવ્યા મુજબ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી અંગે જે વાતો કરી હતી, તે પોતાના ખેતરમાં સંપૂર્ણપણે સાચી સાબિત થઈ છે.કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પોતાની પસંદગીની કારકિર્દી છોડીને ખેતી ક્ષેત્રે આગળ વધેલા પ્રતિકભાઈ આજે પ્રાકૃતિક પદ્ધતિથી કેમિકલમુક્ત સીડલેસ લીંબુની ખેતી કરે છે. તેઓ ઉચ્ચ ગુણવત્તાનું ઉત્પાદન મેળવી મુંબઈ સહિતના મોટા બજારોમાં વેચાણ કરે છે અને એક એકરમાંથી અંદાજે રૂ. 8 લાખ જેટલી આવક મેળવી રહ્યા છે.પ્રતિકભાઈની સફળતાથી પ્રેરાઈ તાપી જિલ્લાના અનેક ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ખેડૂતોનું માનવું છે કે આ પદ્ધતિ જમીનની ફળદ્રુપતા જાળવવા, ઉત્પાદનની ગુણવત્તા વધારવા અને લાંબા ગાળે ખેતીને વધુ ટકાઉ બનાવવા માટે અસરકારક સાબિત થઈ રહી છે.




