તાપી : વ્યારામાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની કેનાલમાંથી એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક છેલ્લા કેટલાક દિવસોથી ગુમ હતો. સ્થાનિક વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ અને એસ.ડી.આર.એફ.ની ટીમે ભારે જહેમત બાદ કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો.
મળતી માહિતી મુજબ મૃતકની ઓળખ ભંવરસિંહ ભાગુસિંહ નોખા (રાજપૂત) તરીકે થઈ છે. તેઓ મૂળ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના રહેવાસી હતા અને હાલમાં વ્યારાની બ્લેસિંગ મલ્ટિસ્પેશિયલિસ્ટ એન્ડ સુપર સ્પેશિયલિસ્ટ હોસ્પિટલમાં ફર્નિચરનું કામ કરતા હતા. ગત 3 જુલાઈથી તેઓ રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા. આ અંગે સ્થાનિક પોલીસ મથકે ગુમશુદગીની ફરિયાદ નોંધાઈ હતી.પોલીસે તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ લોકેશનના આધારે યુવકનો છેલ્લો ટ્રેસ ઉકાઈ ડાબા કાંઠાની કેનાલ નજીક મળ્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને એસ.ડી.આર.એફ.ની ટીમે કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી.
કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી પાણીનો પ્રવાહ અટકાવવાની કાર્યવાહી કર્યા બાદ સર્ચ ઓપરેશન દરમિયાન યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. યુવકનું મોત આપઘાતનું પરિણામ છે કે કોઈ અન્ય કારણસર થયું છે, તે અંગે હાલ કોઈ નિષ્કર્ષ જાહેર કરવામાં આવ્યો નથી. પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.




