તાપી : કુકરમુંડા પોલીસ સ્ટેશન દ્વારા “ઓપરેશન મ્યુલ હંટ” અંતર્ગત મોટી સફળતા મેળવીને સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા એક વોન્ટેડ આરોપીની બનાસકાંઠાથી ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ગત વર્ષે જુલાઈ ૨૦૨૫ દરમિયાન ફરિયાદી હિતેષભાઈ નાનસિંગભાઈ વળવી (રહે. રાજપુર, કુકરમુંડા)ને પર્સનલ લોનની જરૂર હોવાથી તેમણે ગૂગલ પર ‘પ્રધાનમંત્રી મુદ્રા લોન’નું પેજ સર્ચ કર્યું હતું. આ દરમિયાન એક અજાણ્યા શખ્સે તેમનો સંપર્ક કરી, લોનના બહાને બોન્ડ, ઇન્સ્યોરન્સ, ઈ.એમ.આઈ પ્રોટેક્શન અને એન.ઓ.સી વાઉચર જેવા અલગ-અલગ ટેક્સ ગણાવીને ફરિયાદી પાસેથી કુલ રૂપીયા ૫૬,૭૧૭/- ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા અને લોન ન આપી છેતરપિંડી આચરી હતી.આ અંગે કુકરમુંડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વડપણ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કુકરમુંડા પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.ડી. દેસાઈની ટીમે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સોર્સ અને તપાસના આધારે પોલીસે બનાસકાંઠાના દિયોદર તાલુકાના સરદારપુરા ગામેથી આરોપી મુકેશભાઈ નેમાભાઈ માળી (ઉં.વ. ૨૯)ને ઝડપી પાડ્યો છે. આ ગુનામાં હજુ અન્ય ત્રણ આરોપીઓ (લવ અરવિંદભાઈ મહેશ્વરી, સીપાઈ અમીરખાન અને વિજયભાઈ કાંતિલાલ પરમાર) વોન્ટેડ છે, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.




