Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બારડોલી પંથકમાં સુરત ગ્રામ્ય LCBની કાર્યવાહી: રૂ. ૭.૪૧ લાખના વિદેશી દારૂ સાથે કાર જપ્ત, ચાલક ફરાર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત ગ્રામ્ય એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડે બારડોલી તાલુકાના વાંકાનેર ગામની સીમમાં બાતમીના આધારે સફળ દરોડો પાડી દમણથી લવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને જોઈને નાસી છૂટવાનો પ્રયાસ કરતી વખતે ચાલકે કાર દીવાલમાં અથડાવી દીધી હતી અને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત ગ્રામ્ય એલ.સી.બી.ના કર્મચારીઓને બાતમી મળી હતી કે એક લાલ રંગની હ્યુન્ડાઈ આઈ-20 કાર નંબર GJ-05-RQ-4131 માં દમણથી વિદેશી દારૂનો જથ્થો ભરીને નવસારી થઈને બારડોલી તરફ લાવવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે વાઘેચ ગામની સીમમાં નાકાબંધી ગોઠવી હતી. દરમિયાન, શંકાસ્પદ કાર આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી રોકવાને બદલે પૂરઝડપે અને ગફલતભરી રીતે ભગાડી હતી. પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા વાંકાનેર ગામની સીમમાં પેટ્રોલપંપની બાજુમાં આવેલી દીવાલ સાથે કાર અથડાઈ હતી, જેથી કાર અને દીવાલને નુકસાન પહોંચ્યું હતું. ચાલક પોતાની કાર સ્થળ પર જ મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

પોલીસે કારની તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન મળી કુલ ૧૪૨૮ નંગ (કિંમત રૂ. ૨,૪૧,૮૦૦) તથા રૂ. ૫ લાખની કિંમતની હ્યુન્ડાઈ કાર મળી કુલ રૂ. ૭,૪૧,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે અજ્ઞાત કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.