Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અમદાવાદમાં દુષ્કર્મ આચરવાનાં કેસમાં મુખ્ય આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પોક્સો કેસમાં મહત્વનો ચુકાદો આપતા અમદાવાદ વિશેષ અદાલતે સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં મુખ્ય આરોપી ક્રિષ્ના પરમારને દોષિત ઠેરવીને 20 વર્ષની કઠોર કેદની સજા ફટકારી છે અને પીડિતાને 4 લાખ રૂપિયાનું વળતર આપવાનો હુકમ કર્યો છે. 16 સાહેદો અને 32 જેટલા મજબૂત પુરાવાઓ તેમજ તબીબી રિપોર્ટને આધારે ગુનો નિઃશંકપણે સાબિત થતાં ન્યાયાધીશ એચ.એન.દેસાઈએ આ કડક સજાનો ઐતિહાસિક આદેશ કર્યો છે. સાથે જ કોર્ટે પુરાવાઓના અભાવે સહ આરોપીને નિર્દોષ મુક્ત કર્યો છે. ફરિયાદી અનુસાર તારીખ 03 સપ્ટેમ્બર 2023 નારોજ 15 વર્ષીય સગીરાના પિતા અને તેમના પત્ની સગાના ઘરે ગયા હતા ત્યારે પીડિતા ઘરે એકલી હતી.

આરોપી ક્રિષ્ના પીડિતાના ઘરની છત પર ગયો અને પીડિતાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેને પોતાની સાથે આવવા મજબૂર કરી હતી. સહ આરોપી પીડિતાને બાઈક પર લઈ ગયો હતો અને ક્રિષ્નાને સોંપી દીધી હતી. ત્યારબાદ આરોપી ક્રિષ્ના પીડિતાને હાટકેશ્વર વિસ્તારમાં આવેલા એકતા એપાર્ટમેન્ટના ધાબા પર લઈ ગયો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. બીજા દિવસે સવારે તેને પાંજરાપોળ પાસે છોડી દેવામાં આવી હતી ત્યારબાદ પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

કોર્ટ સમક્ષ પીડિતાનું CRPC 164 મુજબનું નિવેદન લેવામાં આવ્યું હતું. તબીબી પુરાવાઓ પરથી આરોપી ક્રિષ્ના સામેનો ગુનો નિઃશંકપણે સાબિત થયો હતો. જ્યારે સહ આરોપી માત્ર પીડિતાને બાઈક પર મૂકવા ગયો હતો તેના વિરુદ્ધ ધમકી આપવાનો, લાલચ આપવાનો કે બળાત્કારમાં સીધી મદદ કરવાનો કે તેના ઈરાદાની જાણ હોવાનો કોઈ પુરાવો મળ્યો ન હતો તેથી તેને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી ક્રિષ્નાને 20 વર્ષ કેદની સજા ફટકારી છે અને પીડિતાને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવા ઓથોરિટીને આદેશ કર્યો હતો.(સૌજન્ય)