પંજાબનાં સંગરુર જિલ્લામાં લહેરાગાગા નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જાખલ રોડ પર ચોટિયાં ગામ પાસે મનરેગા યોજના હેઠળ રસ્તા પર કામ કરી રહેલા શ્રમિકોને ઝડપી ગતિએ આવતી બેકાબૂ કારે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 8 શ્રમિકોનાં મોત થયાં છે, જ્યારે અનેક શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, રવિવારે સાંજે ચોટિયાં ગામ નજીક જાખલ રોડ પર મનરેગા હેઠળ આશરે 23 શ્રમિકો કામ કરી રહ્યા હતા. તેમાં મહિલાઓ અને પુરુષો બંનેનો સમાવેશ થતો હતો. શ્રમિકો રસ્તાની બાજુમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક એક ઝડપી ગતિએ આવતી કારે ચાલકનો કાબૂ ગુમાવ્યો હતો અને ત્યાં કામ કરી રહેલા શ્રમિકોને અડફેટે લીધા હતા.
કારની ટક્કર એટલી જોરદાર હતી કે શ્રમિકોને બચવા માટે પૂરતો સમય મળ્યો નહોતો. અકસ્માત બાદ ઘટના સ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા શ્રમિકોમાં કર્મજીત કૌર, જીવન સિંહ, નિકી, સરબજીત કૌર, રણજીત કૌર, કર્મજીત, રાની કૌર અને દેસ રાજનો સમાવેશ થાય છે. સંગરુરના પોલીસ અધિક્ષક પલવિંદર સિંહ ચિમ્માએ જણાવ્યું હતું કે લહેરાગાગા-જાખલ રોડ પર મનરેગા હેઠળ કામ કરી રહેલા શ્રમિકોને બેફામ ગતિએ આવતી કારે અડફેટે લીધા હોવાની જાણકારી મળી હતી. હોસ્પિટલમાંથી પણ કેટલાક લોકોનાં મોત થયાની જાણકારી મળી હતી. અકસ્માત બાદ પોલીસની ટીમો કાર ચાલકની ઓળખ કરીને તેની ધરપકડ કરવા માટેની કામગીરી હાથ ધરી હતી.(સૌજન્ય)




