અમદાવાદ શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ટેલિફોન એક્સચેન્જ જંકશન પાસે રસ્તો ઓળંગી રહેલ 5 વર્ષીય બાળકને પૂરઝડપે આવી રહેલી એક કારે ટક્કર મારી હતી. જેમાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે બાળકનાં પિતાની ફરિયાદના આધારે ‘બી’ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, 18મી ઓઑક્ટોબરના રોજ સવારના સુમારે પાંચ વર્ષીય નિલેશ રાઠોડ ગુલબાઈ ટેકરા ટેલિફોન એક્સચેન્જ જંકશન પાસે રસ્તો ઓળંગી રહ્યો હતો. આ દરમિયાન એક કારના ચાલકે વાહન ખૂબ જ ઝડપે નિલેશને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં નિલેશના માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી, તેમજ તેના જમણા પગ અને ડાબા હાથ પર પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા ઘટના બાદ કાર ચાલક માલા રાજેશ મિત્તલે કાર રોકી હતી અને બાળકને તબીબી સારવાર મળે તે માટે મદદ કરી હતી. ચાલકે બાળકના પરિવારને સારવારનો તમામ ખર્ચ ઉઠાવવાની ખાતરી પણ આપી હતી. જોકે નિલેશની તબિયત સતત કથળતી જતી હોવાથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પુત્રના અચાનક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બનાવ અંગે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)




