અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ જીવનરક્ષા એપાર્ટમેન્ટના બીજા માળે આવેલા એક ફ્લેટમાંથી સોમવારે 60 વર્ષીય વૃદ્ધા લક્ષ્મીબેન ડાભીની બેગમાં ભરેલી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. જોકે બંધ ફ્લેટમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાતાં સ્થાનિક રહીશોને શંકા ગઈ હતી, જેથી તેમણે તુરંત પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. ખોખરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને FSLની ટીમને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, જીવનરક્ષા એપાર્ટમેન્ટના બીજા માળે આવેલા ફ્લેટમાંથી છેલ્લા કેટલાક સમયથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી.
જેથી રહીશોએ તપાસ કરતાં બંધ મકાનમાંથી દુર્ગંધ આવતી હોવાનું સ્પષ્ટ થયું હતું. સ્થાનિકોની જાણ બાદ ખોખરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફ્લેટની અંદર તપાસ કરતાં એક બેગ મળી આવી હતી. આ બેગ ખોલતાં તેમાંથી 60 વર્ષીય લક્ષ્મીબેન ડાભીનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની ગંભીરતાને જોતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત FSLની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)




