ઉત્તરકાશી જિલ્લાની સિલક્યારા સુરંગમાંથી કાઢવામાં આવેલા તમામ ૪૧ કામદારો એઇમ્સ-ઋષિકેશની મેડિકલ તપાસમાં સ્વસ્થ મળી આવ્યા છે અને હવે તે પોતાના ઘરે જઇ શકે છે.
કામદારોના સ્વાસ્થ્ય અંગે મીડિયા સાથે વાત કરતા ડો. રવિકાંતે જણાવ્યું હતું કે કામદારોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે અને તેમના બ્લડ ટેસ્ટ, એક્સ રે અને ઇસીજી રિપોર્ટ નોર્મલ આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે તેઓ શારીરિક રીતે સામાન્ય છે. અમે તેમને ઘરે જવાની પરવાનગી આપી દીધી છે. લાંબા બચાવ અભિયાન પછી કામદારોને મંગળવાર રાતે ટનલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં.
ડોકટરે વધુમાં જણાવ્યું હતું કે કામદારોને ટનલમાંથી ૧૭ દિવસ પછી બહાર કાઢવામાં આવ્યા હોવાથી તેમને આબોહવા સાથે અનુકુલન સાધવાની જરૃર હોઇ શકે. તેમને બે સપ્તાહ પછી નજીકની હોસ્પિટલમાં તપાસ માટે જવાની સલાહ આપવામાં આવી છે.
ડોક્ટરે જણાવ્યું હતું કે તેમના શરીરના પ્રમુખ અંગોના રિપોર્ટ તપાસ્યા પછી અમે કહી શકીએ છીએ કે તે ટ્રાવેલ કરવા માટે ફિટ છે. મોટા ભાગના કામદારો યુવાન અથવા મધ્યમ ઉંમરના છે. ઋષિકેશ-એઇમ્સના ડોક્ટરો ટેલિ મેડિસિનની મદદથી કામદારોના સંપર્કમાં રહેશે.



