વાપીમાં નેશનલ હાઇવે ઉપર હોટલ ખોડિયાર કાઠીયાવાડી સામે એક ટેન્કરનો ટાયર ફાટતાં તેના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર ડિવાઇડર ખુદાવી સામેની લેન ઉપર ઘસી જઈ કાર તથા બાઇક સવારની અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં કારમાં સવાર મહાવીરપ્રસાદનું મોતનીપજ્યું હતું. જ્યારે તેમના પુત્ર રામસ્વરૂપને ગંભીર ઈજા પહોંચતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે બાઈક સવાર અનિલ કુટ્ટીને પણ ગંભીર ઈજા પહોંચી હતી અને બાદમાં મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, વાપી નેશનલ હાઇવે નંબર 48 ઉપર ગતરોજ બનેલી આ ઘટનામાં એક ટેન્કર નંબર GJ/06/BT/9171 મુંબઈ તરફ જઈ રહ્યું હતું તે સમયે વાપીમાં હોટલ ખોડિયાર કાઠીયાવાડીની સામેથી પસાર થતું હતું ત્યારે તેના આગળનું ટાયર ફાટતાં તેના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટેન્કર રોડ ડિવાઈડર કુદાવી સુરત તરફ જતી લેન ઉપર દોડાવી દેતા સામેથી આવતી વેગેનાર કાર નંબર DN/09/F/2341 તથા બાઈક નંબર GJ/15/BC/7825ને અડફેટે લેતા કાર તથા બાઇકનો કચ્ચાધાણ નીકળી ગયો હતો.
કારમાં સવાર મહાવીરપ્રસાદ તથા તેમના પુત્ર રામસ્વરૂપને ગંભીર ઈજા પહોંચી તથા બાઇક સવાર અનીલને પણ ગંભીર ઈજા પહોંચતી હતી જેથી ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં મહાવીરપ્રસાદનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ વાપી જીઆઇડીસી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે ઘસી આવી હતી.




