આણંદ નજીક આવેલ બેડવા ગામ પાસેના એક ક્લબની બહારના ફૂટપાથ પરથી સવારના સુમારે ગામના જ એક આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી હતી. બેડવા ગામે આવેલ સવશાંતિ ક્લબની બહાર ફૂટપાથ ઉપર વહેલી સવારના સુમારે લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ પડયો હોવાની વાત વહેતી થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા. સ્થાનિકોએ આ અંગે પોલીસને જાણ કરતા આણંદ ગ્રામ્ય પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી વધુ તપાસ કરતા મૃતક બેડવા ગામના અરવિંદભાઈ મગનભાઈ પટેલ (ઉ.વ.૫૫) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મૃતદેહની વધુ તપાસ કરતા કોઈ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાખી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે આણંદની જનરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. વધુમાં મૃતક અરવિંદભાઈ પટેલ કેટરિંગમાં રસોઈ પીરસવાનું કામકાજ કરતો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. રાત્રિના સુમારે એક ઓર્ડરનું કામકાજ પતાવી ઘરે આવ્યા બાદ સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી મોબાઈલ કોલ ડીટેઈલ્સ તથા સીસીટીવી ફુટેજ મેળવવાની તજવીજ સાથે ટીમો બનાવી અલગ-અલગ થીયરી ઉપર તપાસ હાથ ધરી હતી.




