નિઝર : તાલુકાના કોટલી ગામની સીમમાં ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિઓ સામે સુરત વિજિલન્સની ટીમે ગુરુવારે વહેલી સવારે આકસ્મિક દરોડો પાડી મોટાપાયે કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન ગેરકાયદે ગ્રાવલ ભરેલી પાંચ ટ્રકો અને એક હીંચાટી (એક્સ્કાવેટર) મશીન સહિત અંદાજિત રૂ. 2 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હોવાનું વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ, લાંબા સમયથી વિસ્તારમાં ગેરકાયદે ખનન અને ખનિજ પરિવહનની પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદોને આધારે વિજિલન્સની ટીમે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી વાહનો અને મશીનરી કબજે કરી સંબંધિત કાયદા હેઠળ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આટલી મોટી કાર્યવાહી બાદ જિલ્લામાં ગેરકાયદે ખનનના સમગ્ર નેટવર્કને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
સ્થાનિક સ્તરે જો સતત દેખરેખ રાખવામાં આવતી હોય તો આટલા મોટા પાયે ગેરકાયદે ખનન કેવી રીતે ચાલતું રહ્યું? તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. હવે તપાસમાં આ ગેરકાયદે પ્રવૃત્તિ પાછળ સંકળાયેલા મુખ્ય સૂત્રધારો, વાહન માલિકો તેમજ અન્ય જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.સૂત્રોના જણાવ્યા મુજબ, સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.




