સુરત શહેરના અલગ-અલગ વિસ્તારમાં 23 વર્ષિય અને 35 વર્ષિય યુવકનું અચાનક બેભાન થયા બાદ મોત નિપજ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાવનગર જિલ્લાના ગારીયાધારના વતની અને હાલ યોગીચોક શિવદર્શન સોસાયટીમાં રહેતા નયન ભીમજી ખેની (ઉ.વ.35) ટેક્સટાઈલ માર્કેટમાં કામ કરી પરિવારનું ભરણ-પોષણ કરતો હતો. જોકે મંગળવારે બપોરે યોગીનગર બીઆરટીએસ પાસેથી નયન ખેની ચાલતા જતા હતા ત્યારે ત્યાં જ અચાનક બેભાન ઢળી પડ્યા હતા. તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેકના કારણે નયનનું મોત નિપજ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. જ્યારે ડીંડોલી ગામ હળપતિ વાસમાં રાજુ અનિલ સેજવાલ (ઉ.વ.23) પરિવાર સાથે રહેતો હતો. તે છૂટક મજૂરી કામ કરી પરિવારનું ભરણ-પોષણ કરતો હતો. જોકે મંગળવારે સાંજે રાજુને ઘરે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ બેભાન થઈ ગયો હતો અને 108 એમ્બ્યુલન્સ મારફત રાજુને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન રાજુનું મોત નિપજ્યું હતું. રાજુનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હોવાની સંભાવના ડોક્ટરે વ્યક્ત કરી હતી.




