વલસાડના પારનેરા હાઇવે ઉપર અક્સ્માત જોવા ગયેલો એક યુવાન રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, તે દરમિયાન અજાણ્યા કાર ચાલકે આ યુવાનને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી હતી. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડના ચણવઈ કોલ ફળિયામાં રહેતો અંકિત રાજનભાઈ પટેલ રવિવારે સાંજે પોતાના મિત્રો સાથે જમવા ગયો હતો.
તેઓ ઘરે પરત ફરી રહ્યા તે દરમિયાન સુરત તરફ જતા માર્ગ ઉપર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે જોવા માટે અંકિતે પોતાની બાઈક સાઈડ પર મૂકીને સુરત તરફ જવાના માર્ગ ઉપર જોવા ગયો હતો. અકસ્માત જોઈને રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, તે દરમિયાન પારનેરા પાવર હાઉસ વાડી ફળિયા નેશનલ હાઇવે નં.48 વાપી તરફ જતા માર્ગ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે પૂરઝડપે હંકારી લાવી અંકિતને અડફેટે લઈ કાર ચાલક ભાગી છૂટ્યો હતો. અંકિતને ગંભીર ઈજા થતા સારવાર અર્થે 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે અંકિતને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત અંગે પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



