વડોદરાના ડભોઇ તાલુકાના નડા ગામનાં યુવકે ક્રેડિટ કાર્ડ પર લીધેલી લોનનો બોજ વધી જતાં અને ખાનગી બેન્કોની ઉઘરાણીથી આર્થિક ભીંસમાં આવી જતા ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડભોઇ તાલુકાના નડા ગામ, ડેકી ફળીયામાં રહેતો જનક માથુરભાઇ વાળંદ (ઉ.વ.38) વિવિધ ખાનગી બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતો હતો. ક્રેડિટ કાર્ડ પર લોન પણ લીધી હતા. બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી લીધેલી લોનના પૈસા ભરવાના બાકી હોવાથી તેના માથે દેવું વધતું જતું હતું. દેવું વધતા તે ટેન્શનમાં રહેતો હતો. તે વાત મનમાં લાગી આવતા તેણે ઘરમાં ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું. ઘટના અંગે જીગ્નેશભાઇ માથુરભાઇ ભાટીયાએ ડભોઇ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.




