ન્યાયિક વિવેક ટાંકીને બોમ્બે હાઈ કોર્ટે 28 વર્ષની મહિલાને 26 સપ્તાહનો ગર્ભ પડાવવાનો ઈનકાર કર્યો હતો. બાળકના પિતાને પણ આવા કેસમાં સામાજિક જવાબદાર બનાવતી યંત્રણાનો અભાવ હોવાનું પણ કોર્ટે નોંઘ્યું હતું. અરજદારે દાવો કર્યો હતો કે, તે પતિ સાથે છૂટાછેડા લઈ રહી હતી ત્યારે તેના પુરુષ મિત્ર દ્વારા તે ગર્ભવતી થઈ હતી. જસ્ટિસ એએસ ગડકરી અને જસ્ટિસ નીલા ગોખલેની બેન્ચે આ ગંભીર સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે જૈવિક પિતાએ પણ સમાન જવાબદારી લેવી પડશે. કોર્ટે આ મામલે અસરકારક તંત્રના અભાવ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
ન્યાયાધીશોની બેન્ચે કહ્યું કે કાયદાકીય સ્વચ્છતાના હિતમાં ગર્ભપાતની મંજૂરી આપી શકાય નહીં. મહિલાએ પોતાની અરજીમાં કહ્યું કે, ‘હું મારી અનિચ્છનીય ગર્ભાવસ્થાને સમાપ્ત કરવા માંગુ છું. મારે ચાર વર્ષની પુત્રી પણ છે અને હું મારા પતિથી અલગ રહું છું. અમારી છૂટાછેડાની કાર્યવાહી ચાલી રહી છે. મારા એક મિત્ર સાથે રિલેશનશિપમાં હતી અને તે દરમિયાન હું ગર્ભવતી થઈ ગઈ.’ આ બાબતે કોર્ટે સ્વીકાર્યું કે સ્ત્રીને તેના શરીર પર સંપૂર્ણ અધિકાર છે.
પરંતુ મેડિકલ રિપોર્ટ કહે છે કે ગર્ભાવસ્થા સમાપ્ત થવાથી કેટલીક શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. કોર્ટે વધુમાં કહ્યું કે, સામાજિક બદનામીનાના કારણે મહિલા ગર્ભપાત કરવા માંગતી હતી. આ સાથે મહિલાએ પોતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને કોર્ટમાં અરજી પણ કરી છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે આ તમામ કારણોને ગર્ભપાત કરવા માટે અપવાદ તરીકે ગણી શકાય નહીં. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાળકના જન્મ પછી અરજદાર દત્તક લેવાની પ્રક્રિયા પર વિચાર કરી શકે છે.



