ડાંગ જિલ્લાનાં ઘાટ માર્ગમાં અવારનવાર અકસ્માતનાં બનાવો બનતા હોય છે ત્યારે સાપુતારા ઘાટમાં સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી હતી. જેમાં બે બાળકોનાં મોત થયા હોવાની વિગત મળી હતી. ઘટના સ્થળે સાપુતારા પોલીસ અને 108ની ટીમે બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જયારે બસમાં 64 લોકો હતા. જેમાંથી 62 લોકોનું રેસ્ક્યૂ કરી લેવાયું છે જ્યારે બે’ના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે 5ની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.
શામગહાનને સાંકળતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. સુરતની લક્ઝરી બસ સાપુતારા ઘાટમાં ખીણમાં પડી ગઈ હતી. સુરતના પ્રવાસીઓ લક્ઝરી બસમાં સાપુતારા ગયા હતા. સાપુતારાથી પાછા ફરતી વખતે બસના ડ્રાયવરનું નિયંત્રણ ન રહેતા બસ રોડ સાઈડ ખાઈમાં ઉતરી ગઈ હતી. લક્ઝરી બસમાં 64 જેટલાં પ્રવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની તજવીજ હાથ ઘરાઈ હતી.
બસ રોડથી થોડી જ નીચે ખીણમાં સરકી ગઈ હોવાથી અને વધુ ઉંડી ખીણમાં ન પડી હોવાથી બચાવ કાર્ય ઝડપથી કરે લેવાયું હતું. જોકે આ ઘટનામાં બે ભાઈ-બહેનના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. બંને બાળકો બસમાં દબાઈ ગયા હોવાથી તેમનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. 20થી 25 લોકો ઘાયલ થયા છે. ઘાયલો પૈકી પાંચની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઈજાગ્રસ્તોને શામગહાનના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી. અકસ્માતમાં એક છોકરો અને એક છોકરીના મોત થયા હતા. જોકે તેમની ઉંમર 8થી 10 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું.



