(માહિતી બ્યુરો,તાપી) : તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બેડકુવા દૂર સ્થિત ‘સીતારામ પ્રાકૃતિક મોડલ ફાર્મ’ ખાતે આત્મા પ્રોજેક્ટ તાપી દ્વારા તાજેતરમાં યોજાયેલા બે દિવસીય તાલીમ શિબિરમાં આત્મા પ્રોજેક્ટના બી.ટી.એમ., એ.ટી.એમ. (ATM) અને ગુજરાત પ્રાકૃતિક ખેતી બોર્ડના ખેતી મદદનીશ દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતીના વિકલ્પે ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. 
તાલીમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂત પ્રતીકભાઈ દ્વારા ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં અત્યંત ઉપયોગી એવા જીવામૃત, ઘન જીવામૃત અને દશપર્ણી અર્ક બનાવવાનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂતો પોતે જ પોતાના ખેતરે ઓછા ખર્ચે કુદરતી ખાતર અને જંતુનાશકો તૈયાર કરી શકે તે હેતુથી આ પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેથી જમીનની ફળદ્રુપતા જળવાય અને ખેતી ખર્ચમાં ઘટાડો થાય. આ બે દિવસીય તાલીમ કાર્યક્રમમાં કુલ ૪૩ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં ૩૭ મહિલાઓ અને ૬ પુરુષ ખેડૂતોનો સમાવેશ થાય છે. મહિલા ખેડૂતોની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ અને તેમના સક્રિય સહયોગથી આ સમગ્ર આયોજન સફળ રહ્યું હતું.




