કેનેડાનાં આલ્બર્ટા પ્રાંતમાં આવેલ કેનેડિયન ફોર્સિસ બેઝ વેનરાઈટ ખાતે લાગેલી ભીષણ આગમાં ચાર લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. સંરક્ષણમંત્રી ડેવિડ મેકગિન્ટીએ આ દુર્ઘટનાની પુષ્ટી કરી હતી. જોકે જાનહાનિનો ચોક્કસ આંકડો જાહેર નથી કરાયો. આગને કારણે સૈન્ય મથક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભારે પવનને કારણે આગ વધુ ફેલાઈ હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બચાવદળો અને અગ્નિશામક કર્મચારીઓએ મોડી રાત સુધી કામગીરી ચાલુ રાખી હતી. ઘાયલોને વેનરાઈટ સહિત એડમન્ટન શહેરની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ હતી કે, આરોગ્ય સેવાઓ પર ભારે દબાણ સર્જાયું હતું. અનેક હોસ્પિટલોએ કોડ ઓરેન્જ જાહેર કર્યો હતો.
એમ્બ્યુલન્સની અછતને કારણે હેલિકોપ્ટર અને વિમાનો દ્વારા પણ દર્દીઓને અન્ય સારવાર કેન્દ્રોમાં પહોંચાડવામાં આવ્યા હતા. કેનેડાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત પરિવારોને જાણ કર્યા પછી જ જાનહાનિ વિશે સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે. વેનરાઈટના મેયર બુ્રસ પ્યુએ સ્થાનિક આરોગ્યકર્મીઓની કામગીરીની પ્રશંસા કરી હતી. મોડી રાત સુધીમાં આગને કાબૂમાં લેવાની કામગીરીમાં પ્રગતિ થઈ હતી અને મિલકતો તથા મહત્વના માળખા સુરક્ષિત હોવાની જાણકારી આપવામાં આવી હતી.
વેનરાઈટ સૈન્ય મથક કેનેડાના મુખ્ય તાલીમ કેન્દ્રોમાં એક છે, જ્યાં સૈનિકોને યુદ્ધની પરિસ્થિતિઓ માટે તૈયાર કરવામાં આવે છે. આ દુર્ઘટના અંગે કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની અને આલ્બર્ટાના મુખ્ય મંત્રી ડેનિયલ સ્મિથે દુઃખ વ્યક્ત કર્યું હતું. પડોશી પ્રાંત સાસ્કેચેવાને પણ મદદ મોકલવાની તૈયારી દર્શાવી હતી. આગને કારણે અલ્બર્ટામાં યોજાનારા લોકમત પૂર્વેના મતદાન પર પણ અસર પડી હતી અને બે મતદાન મથકો વહેલા બંધ કરાયા હતા.(સૌજન્ય)




