સોનગઢ-સુરત નેશનલ હાઈવે પર ખુશાલપુરા ગામની સીમમાં સોમવારે વહેલી સવારે સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં મોટરસાયકલ ચાલક યુવકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પાછળ બેસેલ અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર પંઢરીનાથ પાટીલ (ઉં.વ.36 ) અને તેમના મિત્ર ચેતનભાઈ દિલીપભાઈ મોરે મહારાષ્ટ્રના આડગાંવથી લગ્ન પ્રસંગ પતાવી પોતાની મોટરસાયકલ નંબર GJ-05-FY-3491 પર સુરત પરત ફરી રહ્યા હતા.આ દરમિયાન ખુશાલપુરા પાસે હાઈવે પર ઘઉં ભરેલો એક નાનો ટેમ્પો પલટી ગયેલો હોવાથી ટ્રાફિક સર્જાયો હતો. આ ટેમ્પોના કારણે બાઈકની આગળ જઈ રહેલા એક અજાણ્યા આઈસર ટેમ્પાના ચાલકે અચાનક બ્રેક મારી હતી. બ્રેક વાગતા જ પાછળ આવી રહેલી રાજેન્દ્રભાઈની મોટરસાયકલ આઈસર ટેમ્પાના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી.
આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે બાઈક ચાલક રાજેન્દ્ર પાટીલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા ચેતનભાઈને માથાના ભાગે ઈજાઓ થતા વધુ સારવાર માટે સુરત રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જીને આઈસર ટેમ્પો ચાલક પોતાનું વાહન લઈ નાસી છૂટ્યો હતો.મૃતકના પિતરાઈ ભાઈ સંજયભાઈ ઠાકરેની ફરિયાદના આધારે વ્યારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




