આવકવેરા રિટર્ન (આઈટીઆર) ભરતી વખતે આવક છુપાવવી, ખોટી માહિતી આપવી અથવા નકલી દસ્તાવેજોના આધારે ટેક્સ બચાવવાનો પ્રયાસ કરવો હવે ભારે પડી શકે છે. આવકવેરા વિભાગ આધુનિક ટેક્નોલોજી અને ડેટા એનાલિટિક્સ દ્વારા રિટર્નમાં આપવામાં આવેલી વિગતોની ચકાસણી કરે છે.
આવકવેરા કાયદા મુજબ જાણીજોઈને આવક ઓછી દર્શાવવી અથવા ખોટી માહિતી આપવી ‘મિસરિપોર્ટિંગ’ ગણાય છે, જેમાં છુપાવેલા ટેક્સના 200 ટકા સુધી દંડ થઈ શકે છે. સમયમર્યાદા બાદ આઈટીઆર ભરવા બદલ પણ લેટ ફીની જોગવાઈ છે.જો ખોટી માહિતી અથવા નકલી દસ્તાવેજોના આધારે મોટી કરચોરી કરવામાં આવી હોવાનું સાબિત થાય તો દંડ ઉપરાંત જેલની સજા પણ થઈ શકે છે. જોકે, અજાણતાં થયેલી સામાન્ય ભૂલ માટે કરદાતાને ‘રિવાઇઝ્ડ આઈટીઆર’ દાખલ કરીને સુધારો કરવાની તક આપવામાં આવે છે.ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આઈટીઆર દાખલ કરતાં પહેલાં તમામ આવક, રોકાણ, કપાત અને સંબંધિત દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી કરવી જોઈએ, જેથી દંડ અને કાનૂની કાર્યવાહીથી બચી શકાય.




