વાલોડના બુહારી ગામે દુકાન ભાડે માંગવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાઈ જઈ ત્રણ શખ્સોએ પિતા-પુત્ર સાથે ગાળાગાળી કરી ઢીકમુક્કીનો માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે વાલોડ પોલીસ મથકે ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ફરિયાદી ઇકબાલ અઝીઝ મેમણ (ઉ.વ.૪૮, રહે. બુહારી, તળાવ ફળીયું) ગત તારીખ ૦૫/૦૩/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાના અરસામાં બુહારી બજારમાં લલ્લુભાઇ શાકભાજીવાળાની દુકાને ચા પી રહ્યા હતા. તે સમયે આરોપી નસીમ અંસારી ત્યાં આવ્યો હતો અને ફરિયાદીને જણાવ્યું હતું કે, “અમે જે દુકાન ચલાવીએ છીએ તે દુકાન તેં કેમ ભાડે માંગી છે?” તેમ કહી ગાળાગાળી કરી ઝપાઝપી શરૂ કરી હતી.આ ઝઘડા દરમિયાન આરોપીએ ફરિયાદીનો શર્ટનો કોલર પકડી ગાલ પર તમાચા મારી દીધા હતા. તે દરમિયાન અન્ય આરોપી અરબાઝ અંસારીએ ફરિયાદીને ડાબી આંખ પાસે મુક્કો માર્યો હતો અને સેબાઝ અંસારીએ પણ શરીરે ઢીકમુક્કીનો માર માર્યો હતો. પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્ર યુસુફ ઇકબાલ મેમણને પણ આરોપીઓએ છોડ્યો ન હતો. અરબાઝ અંસારીએ યુસુફની જમણી આંખ ઉપર ઉપરા-છાપરી મુક્કા મારી ઇજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ આરોપીઓએ ધમકી આપી હતી કે, “આજે તો તમે બચી ગયા છો, બીજી વખત મળશો તો તમારા હાથ-પગ ભાંગી નાખીશું અને જાનથી મારી નાખીશું.” આ મામલે ઇકબાલ મેમણે વાલોડ પોલીસ સ્ટેશનમાં (૧) અરબાઝ અંસારી, (૨) નસીમ અંસારી અને (૩) સેબાઝ અંસારી (તમામ રહે.બુહારી, જીન ફળીયું) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.



