Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Trending News : AIની એક ભૂલ અને 160થી વધુ માસૂમ કન્યાઓનો ભોગ: ઈરાનના મીનાબમાં થયેલા હુમલાએ દુનિયાને હચમચાવી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગત 28 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ ઈરાનના મીનાબ શહેરમાં બનેલી એક અત્યંત કરુણ ઘટનાએ સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં એક કન્યા શાળાને નિશાન બનાવવામાં આવતા 160 થી વધુ વિદ્યાર્થીનીઓના કરૂણ મોત નિપજ્યા છે. આ હુમલા બાદ હવે એક ચોંકાવનારી થિયરી સામે આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ભયાનક નરસંહાર પાછળ ‘AI’ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ની ટેકનિકલ ખામી જવાબદાર હોઈ શકે છે.

અહેવાલો અનુસાર, જ્યારે આ હુમલો થયો ત્યારે શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલુ હતું. ભોગ બનનાર વિદ્યાર્થીનીઓની વય મર્યાદા માત્ર 7 થી 12 વર્ષની હતી. ‘શજારેહ તૈયબેહ ગર્લ્સ સ્કૂલ’ પર થયેલા આ હુમલામાં ઈરાનનો દાવો છે કે કુલ 168 લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગની નાની બાળકીઓ છે. આ ઘટનાની તપાસ કરી રહેલા અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ, હુમલા પાછળનો હેતુ શાળાને નુકસાન પહોંચાડવાનો નહોતો.

દક્ષિણ ઈરાનની ગર્લ્સ સ્કૂલ પર થયેલા ભીષણ હુમલા પાછળ ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ની ખામી હોવાની પ્રબળ શક્યતા: અમેરિકા અને ઈઝરાયેલ તપાસના ઘેરામાં

તપાસમાં જે જગ્યાએ અત્યારે ગર્લ્સ સ્કૂલ છે, ત્યાં ભૂતકાળમાં ઈરાનના સૈન્ય ‘રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) નો બેઝ હતો.યુદ્ધમાં વપરાતા એઆઈ સોફ્ટવેર દ્વારા જૂના ડેટા અથવા નજીકમાં આવેલા લશ્કરી કંપાઉન્ડને બદલે આ શાળાને ટાર્ગેટ તરીકે ‘લોક’ કરવામાં આવી હોય તેવી શક્યતા છે.મશીન લર્નિંગ અને ડેટાના આધારે ટાર્ગેટ નક્કી કરતી વખતે થયેલી શરતચૂક આ મોટી હોનારતનું કારણ બની છે.

અમેરિકી વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે તેઓ જાણી જોઈને શાળાઓ કે નાગરિક વિસ્તારોને નિશાન બનાવતા નથી. જે દિવસે ઈરાન પર મોટા પાયે હવાઈ હુમલા કરવામાં આવ્યા, તે જ દિવસે આ દુર્ઘટના ઘટી હતી. હાલમાં આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે કે શું આ ખરેખર ટેકનિકલ ખામી હતી કે માનવીય ભૂલ.

આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે આધુનિક યુદ્ધ હવે માત્ર સૈનિકો અને પરંપરાગત શસ્ત્રો પૂરતું મર્યાદિત નથી. હવે યુદ્ધના મેદાનમાં અલ્ગોરિધમ્સ અને મશીન લર્નિંગ નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે. પરંતુ, જ્યારે ટેકનોલોજી ભૂલ કરે છે, ત્યારે તેની કિંમત નિર્દોષ લોકોએ પોતાના જીવ આપીને ચૂકવવી પડે છે. મીનાબની આ ઘટનાની સત્યતા સંપૂર્ણ તપાસ બાદ જ બહાર આવશે, પરંતુ હાલ તો 160થી વધુ પરિવારોએ પોતાની વ્હાલસોયી દીકરીઓ ગુમાવતા વિશ્વભરમાં રોષ ફાટી નીકળ્યો છે.