નાના વેપારીઓ માટે મૂડીની અછત, ઊંચા વ્યાજે ઉધાર લેવાની ફરજ અને ધંધો વિસ્તારી ન શકવાની સમસ્યા આજે પણ મોટો પડકાર છે. આવા સંજોગોમાં કેન્દ્ર સરકારની પીએમ સ્વનિધિ યોજના નાના ધંધાર્થીઓ માટે રાહતરૂપ બની રહી છે.
તાપી જિલ્લાના વ્યારામાં વર્ષોથી મોચીકામ કરતા પોપટભાઈ અહિરને આ યોજના હેઠળ પ્રથમ રૂ. 10 હજાર, ત્યારબાદ રૂ. 20 હજાર અને ત્રીજા તબક્કામાં રૂ. 50 હજારની લોન મળતા કુલ રૂ. 80 હજારની સહાયથી તેમણે જરૂરી સાધનો અને કાચો માલ ખરીદી ધંધાનો વિસ્તાર કર્યો છે. પરિણામે તેમની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો હોવાનું તેમણે જણાવ્યું.
પોપટભાઈએ જણાવ્યું કે નાના વેપારીઓને શરૂઆતમાં મૂડીના અભાવે ધંધો વિકસાવવામાં મુશ્કેલી પડે છે અને ઘણા વેપારીઓને ખાનગી ધિરાણદારો પાસેથી ઊંચા વ્યાજે નાણાં લેવા પડે છે. આવી સ્થિતિમાં પીએમ સ્વનિધિ યોજના આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે.
સરકારે યોજનામાં સુધારા કરીને હવે પથ-વિક્રેતાઓ અને નાના વેપારીઓને તબક્કાવાર કુલ રૂ. 90 હજાર સુધીની લોનની સુવિધા ઉપલબ્ધ કરાવી છે, જેથી તેઓ આત્મનિર્ભર બની પોતાનો વ્યવસાય વધુ મજબૂત બનાવી શકે છે.




