વરસાદી ઋતુમાં ડાંગ અને વાંસદાના હરિયાળા જંગલો વચ્ચે પસાર થતી 113 વર્ષ જૂની બીલીમોરા-વઘઈ નેરોગેજ હેરિટેજ ટ્રેન ફરી એકવાર પ્રકૃતિપ્રેમીઓ માટે અનોખું આકર્ષણ બની છે. માત્ર મુસાફરીનું સાધન નહીં, પરંતુ કુદરતને નજીકથી માણવાનો અનોખો અનુભવ કરાવતી આ ટ્રેન દક્ષિણ ગુજરાતના પ્રવાસનને નવી ઓળખ આપી રહી છે.
વર્ષ 1913માં તત્કાલીન બરોડા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા ડાંગના ઇમારતી લાકડાના પરિવહન માટે શરૂ કરાયેલી આ ટ્રેન આજે હેરિટેજ ટ્રેન તરીકે જાણીતી છે. શરૂઆતમાં સ્ટીમ એન્જિનથી દોડતી આ ટ્રેનને બાદમાં ડીઝલ એન્જિન સાથે જોડવામાં આવી હતી. કોરોના મહામારી દરમિયાન સેવા બંધ થયા બાદ 4 સપ્ટેમ્બર, 2021થી નવી સજાવટ અને આધુનિક સુવિધાઓ સાથે ટ્રેન ફરી શરૂ કરવામાં આવી હતી.
બીલીમોરાથી વઘઈ સુધીના 63 કિલોમીટરના પ્રવાસ દરમિયાન ટ્રેન ગણદેવી, ચીખલી રોડ, રાનકુવા, અનાવલ, ઉનાઈ-વાંસદા રોડ, કેવડી રોડ, કાળાઆંબા અને વાંસદા નેશનલ પાર્ક જેવા હરિયાળા વિસ્તારોમાંથી પસાર થાય છે. અંબિકા નદી પરના ઐતિહાસિક પુલ પરથી પસાર થતી ક્ષણો અને ગાઢ જંગલો વચ્ચેની સફર પ્રવાસીઓને યાદગાર અનુભવ કરાવે છે.
હેરિટેજ ટ્રેનમાં પ્રવાસીઓને વધુ આરામદાયક અને યાદગાર અનુભવ મળે તે માટે ખાસ એ.સી. કોચની પણ સુવિધા ઉપલબ્ધ છે. ત્રણ બાજુ કાચની મોટી બારીઓ ધરાવતો આ કોચ મુસાફરોને કુદરતી સૌંદર્ય નિહાળવાની અનોખી તક આપે છે. એ.સી. કોચ માટે ઓનલાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે સામાન્ય કોચમાં ટ્રેનમાં જ ટિકિટ આપવામાં આવે છે.
ડાંગ અને વાંસદાના ગ્રામ્ય વિસ્તારો માટે આ ટ્રેન આજે પણ જીવનરેખા સમાન છે. સાથે જ મુંબઈ, અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવતા પ્રવાસીઓ માટે ડાંગ અને સાપુતારા સુધી પહોંચવાનો આ સરળ અને આકર્ષક વિકલ્પ બની રહી છે.
વર્ષાઋતુમાં જ્યારે ડાંગ-વાંસદાની વનરાજી સોળે કળાએ ખીલી ઊઠે છે ત્યારે આ હેરિટેજ ટ્રેનની સફર પ્રકૃતિ, ઇતિહાસ અને પ્રવાસનનો અનોખો સમન્વય સર્જે છે. તેથી જ દર વર્ષે ચોમાસામાં આ ઐતિહાસિક “છુકછુક ગાડી” પ્રકૃતિપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.




