વાંસદા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પ્રોહિબિશન અને જુગારના ગુનાઓ અટકાવવા માટે હાથ ધરાયેલ પેટ્રોલિંગ દરમિયાન, શાકભાજી માર્કેટ પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગત તારીખ 08/03/2026ના રોજ વાંસદા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન વાંસદા શાકભાજી માર્કેટથી નવા ફળીયા જવાના રોડ પર એક ખુલ્લી જગ્યામાં એક ઇસમ શંકાસ્પદ હાલતમાં કાગળ પર કંઈક લખતો જણાયો હતો. પોલીસે તેની તપાસ કરતા તે મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડાઓ પર હાર-જીતનો જુગાર રમી-રમાડી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી રફીક ગુલામ શેખ (ઉંમર વર્ષ 51), રહે. નવા ફળીયા, વાંસદાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી વરલી મટકાના આંકડા લખેલ કાપલીઓ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.



