Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપીમાં વરસાદનો કહેર: ડોલવણમાં ૧૪ ઈંચ, વાલોડ-વ્યારામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લામાં શુક્રવારે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો હતો. જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા સાંજે ૮ વાગ્યા સુધી જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ જિલ્લામાં સરેરાશ ૧૩૭.૨૫ મીમી (૫ ઈંચથી વધુ) વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ અસર ડોલવણ તાલુકામાં જોવા મળી, જ્યાં દિવસ દરમિયાન ૩૪૫ મીમી (આશરે ૧૪ ઈંચ) વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

ડોલવણમાં સાંજે ૬થી ૮ વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં જ ૧૦૭ મીમી (૪ ઈંચથી વધુ) વરસાદ ખાબક્યો હતો. ટૂંકા ગાળામાં પડેલા આ અતિભારે વરસાદના કારણે રસ્તાઓ, નીચાણવાળા વિસ્તારો અને સ્થાનિક નાળા-કોઝવેમાં પાણી ફરી વળ્યા હતા.જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. વાલોડ તાલુકામાં ૧૪૭ મીમી (આશરે ૬ ઈંચ) અને વ્યારા તાલુકામાં ૧૪૨ મીમી (સાડા ૫ ઈંચથી વધુ) વરસાદ નોંધાયો હતો. બંને તાલુકાઓમાં સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો.

સોનગઢમાં ૧૧૭ મીમી, નિઝરમાં ૧૧૨ મીમી, ઉકાઈ વિસ્તારમાં ૧૧૦ મીમી અને ઉચ્છલ તાલુકામાં ૮૩ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે કુકરમુંડા તાલુકામાં સૌથી ઓછો ૪૨ મીમી વરસાદ નોંધાયો હતો.શુક્રવારે પડેલા ભારે વરસાદ બાદ તાપી જિલ્લાના ચાલુ ચોમાસાનો સરેરાશ કુલ વરસાદ ૧૦૭૯.૫ મીમી (આશરે ૪૩ ઈંચ) પર પહોંચી ગયો છે. તેમાં ડોલવણ તાલુકો ૨૧૮૪ મીમી (આશરે ૮૭ ઈંચ) કુલ વરસાદ સાથે જિલ્લામાં પ્રથમ સ્થાને છે.સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓ, કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર વધતાં જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

કેવડામોઈ પાસે ઓવરટોપિંગ, તંત્રની ત્વરિત કાર્યવાહીથી માર્ગ ફરી શરૂ : કુકરમુંડા તાલુકાના કેવડામોઈ પાસે માર્ગ પર ઓવરટોપિંગ થતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. સ્થળ પર પહોંચેલા વહીવટી તંત્રે નાળામાં જમા કચરો જેસીબીથી દૂર કરાવી પાણીનો નિકાલ કરાવ્યો. પાણી ઓસરતાં માર્ગ પરથી વાહનવ્યવહાર ફરી સુરક્ષિત રીતે શરૂ કરવામાં આવ્યો.

 ફુલઉમરાણ નજીક કરોડ-મોહિની-ટાવલી માર્ગ બંધ : ઉચ્છલ-નિઝર રોડ પર ફુલઉમરાણ ગામ નજીક આવેલ કરોડ, મોહિની અને ટાવલી તરફનો માર્ગ સુરક્ષાના હેતુથી વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. જિલ્લા તંત્રે નાગરિકોને આ માર્ગ પર અવરજવર ટાળવા અને વિકલ્પ માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરી છે.