(માહિતી બ્યુરો,તાપી) : રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ, ઉચ્છલ અને નિઝર તાલુકાની અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા અદાલત તેમજ જિલ્લાની દરેક તાલુકાની કોર્ટમાં તા.૧૪ માર્ચ, ૨૦૨૬ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.
આ લોક અદાલતમાં દીવાની, ફોજદારી કેસો તેમજ અન્ય સમાધાન યોગ્ય કેસો, બેન્ક લોન સંબંધિત કેસો, વાહન અકસ્માત વળતરના દાવાઓ, મકાન ભાડા, વિદ્યુત બિલ, પાણી બિલ, પારિવારિક વિવાદો, ચેક રિટર્ન કેસો તથા પ્રી-લિટીગેશન કેસોનું પરસ્પર સમજૂતીથી ઝડપી અને તુરંત નિરાકરણ કરવામાં આવશે. 
લોક અદાલતમાં પક્ષકારોની પરસ્પર સમજૂતી દ્વારા વિવાદોનું નિરાકરણ કરવામાં આવે છે, જેના કારણે સમય અને ખર્ચ બંનેની બચત થાય છે તથા લાંબા સમયથી બાકી રહેલા કેસોનો ઝડપી ઉકેલ મળે છે. લોક અદાલતના માધ્યમથી પક્ષકારોના કેસોનું ત્વરિત અને અંતિમ નિરાકરણ થાય છે.
આ પ્રક્રિયા સરળ, મફત અને સમય બચાવનારી હોવાથી સામાન્ય જનતાએ તેનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ. તાપી જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાના ચાલતા કેસો અથવા વિવાદોને લોક અદાલતમાં રજૂ કરી સમાધાન દ્વારા ઉકેલ મેળવવા માટે આ સોનેરી તકનો લાભ લે. વધુ માહિતી માટે સંબંધિત અદાલત અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, તાપી કચેરીનો સંપર્ક કરવો, તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, તાપીના સચિવશ્રી વાય. બી. ગામીત દ્વારા પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું છે.(ફાઈલ ફોટો)



