નવસારીમાં રહેતી એક યુવતીએ સગાઈ તોડી નાંખતા યુવકે બદલો લેવા માટે યુવતીનું ફેક આઇ.ડી. બનાવી સોશિયલ મીડિયા ઉપર મુકી દઈ હેરાન કરવાની ફરિયાદને લઈને સાયબર ક્રાઈમ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને તાપી જિલ્લામાંથી ઝડપી પાડયો હતો. મળતી માહિતી મુજબ, નવસારી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણીએ પોતાના નામનો ઈન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈ.ડી. બનાવી મોબાઈલ નંબર મુકી ફોન કરવાનો મેસેજ અપડેટ કરતા રોજ બરોજ અજાણ્યા લોકોના મેસેજો આવતા પોતે હેરાન પરેશાન થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. આ કેસમાં સાયબર ક્રાઈમના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ શરૂ કરી હતી. 
આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે આરોપી સનત શાંતિલાલ વળવી (રહે.મોગલબારા ગામ,ઉચ્છલ)ને તેના નિવાસ સ્થાનેથી ઝડપી પાડયો હતો. મૂળ તાપી જિલ્લાની વતની અને હાલમાં નવસારીમાં રહેતી યુવતીને અગાઉ આરોપી સનત સાથે પ્રેમ સબંધ હતો. ત્યારબાદ બન્નેની સગાઈ થઈ હતી. જોકે કોઈ કારણસર મદભેદ ઉભા થતા યુવતી સગાઈ તોડી નાંખી હતી. જેના કારણે સનતએ બદલો લેવા માટે યુવતીના નામનું ઈન્સ્ટાગ્રામમાં ફોટા સાથેનું ફેક આઈ.ડી. બનાવી મોબાઇલ નંબર અપલોડ કરી મેસેજો કરવા કહેતા અનેક લોકોના અભદ્ર મેસેજો આવતા હતાં. બનાવ અંગે સાયબર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




