સોશિયલ મીડિયાના વધતા વળગણ વચ્ચે સિક્કિમ સરકારે સરકારી કર્મચારીઓની શિસ્ત અને કાર્યક્ષમતા જાળવવા માટે એક મહત્વનો આદેશ જારી કર્યો છે. સિક્કિમના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, હવે વન વિભાગના કર્મચારીઓ ફરજ દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં.
મુખ્ય વન સંરક્ષક (PCCF) પ્રદીપ કુમાર દ્વારા જારી કરાયેલા આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે,કર્મચારીઓ ફરજ પર હોય ત્યારે સોશિયલ મીડિયા રીલ્સ બનાવી શકશે નહીં. કામના કલાકો દરમિયાન કોઈપણ પ્રકારની વ્યક્તિગત પોસ્ટ કરવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.આ આદેશનો હેતુ કર્મચારીઓનું ધ્યાન સંપૂર્ણપણે કામ પર રહે અને વ્યાવસાયિક આચરણ (Professional Conduct) જળવાય તે સુનિશ્ચિત કરવાનો છે.
નોંધનીય છે કે સિક્કિમમાં અગાઉ પોલીસ વિભાગ માટે પણ આવો જ કડક નિયમ લાગુ કરવામાં આવ્યો હતો, જેમાં યુનિફોર્મ પહેરીને રીલ્સ બનાવવા પર પ્રતિબંધ મુકાયો હતો. હવે વન વિભાગમાં પણ આ નિયમ લાગુ થતા વહીવટી તંત્ર વધુ સજ્જડ બન્યું છે.સરકારના આ આદેશને કારણે વહીવટી શિસ્તમાં સુધારો થશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે, જોકે બીજી તરફ સોશિયલ મીડિયા યુઝર્સ અને કેટલાક કર્મચારીઓમાં આ પ્રતિબંધને લઈને વિરોધના સૂર પણ જોવા મળી રહ્યા છે.




