રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને તા.૧૨મીએ સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી(SVNIT)નો 20મો પદવીદાન સમારોહ વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાશે. જેમાં SVNITના 12 વિદ્યાશાખાના 1434 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પણ સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેશે. આ સંદર્ભે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં SVNITના ડિરેક્ટર ડો.અનુપમ શુક્લાએ જણાવ્યું હતું કે, 1434 પદવીઓમાં 126 પી.એચ.ડી., 805 બી.ટેક., 355 એમ.ટેક, 148 પાંચ વર્ષની ઇન્ટીગ્રેટેડ એમ.એમ.સી.ના વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે.
ઉપરાંત, 22 વિદ્યાર્થીઓ અને 6 વિદ્યાર્થિનીઓ મળી કુલ 28 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. પદવી મેળવનાર કુલ 1434 વિદ્યાર્થીઓ પૈકી 293 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. તમામ ગોલ્ડ મેડાલિસ્ટને રાષ્ટ્રપતિના હસ્તે મેડલ અર્પણ કરાશે. માત્ર નિવાસી ઇન્સ્ટીટયુટ એવી SVNITમાં હાલ 5800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ સંસ્થા દ્વારા વર્ષ 2024-25ના શૈક્ષણિક વર્ષથી બે વર્ષના MBA પ્રોગ્રામ શરૂ કરાશે એવી જાણકારી તેમણે આપી હતી. નોંધનીય છે કે, પદવીદાન સમારોહ તા.12મીએ સાંજે 5.00 વાગ્યે યોજાશે. પ્રેસ કોન્ફરન્સમાં રજિસ્ટ્રાર ડો.પ્રમોદ માથુર, એકેડેમી ડીન હિતેશ જરીવાલા સહિત અન્ય ફેકલ્ટી ઉપસ્થિત રહ્યા હતા.



