મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢના ખોખસા ગામના જંગલ તરફથી ચીમકુવા ગામ તરફ આવતા રોડ પરથી પગપાળા ચાલતો આવનાર યુવકને વગર પાસ પરમિટે દારૂનો જથ્થો લઈ આવતા ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો રવિવારના રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં નીકળ્યા હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક ઈસમ ખોખસા ગામના જંગલમાંથી એક કાપડના થેલામા પ્રોહી. મુદ્દામાલ લઈને ચીમકુવા ગામ તરફ પગપાળા ચાલતો આવનાર છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો ચીમકુવા ગામના રોડ ઉપર વોચમાં હતા તે સમયે એક ઈસમ ખોખસા ગામના જંગલ તરફથી માથા પર એક કાપડનો થેલો મૂકી ચાલતો ચાલતો આવતો હતો જેથી પોલીસે ઈસમને કોર્ડન કરી પકડી લીધો હતો અને પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, અજય ચંદુભાઈ કોંકણી (ઉ.વ.૨૪., રહે.આંબાપાણી ગામ, બંગલી ફળિયું, તા.ડોલવણ)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેની પાસેના કાપડનો થેલામાં તપાસ કરતા તેમાંથી દેશી દારૂની કુલ ૯૬ નંગ બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૪,૮૦૦ હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે પકડાયેલ યુવક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




