તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા સુચારુ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તેવા ઉમદા આશય સાથે ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ.ડોડીયાએ નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ વિભાગોના નોડલ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
બેઠક દરમિયાન ઓબ્ઝર્વરશ્રી ડોડીયાએ તાપી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વ્યારા નગરપાલિકાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા, આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન સુનિશ્ચિત કરવા તેમજ વિવિધ સ્વીપ પ્રવૃત્તિઓનું વ્યાપક આયોજન કરવા પર ભાર મૂક્યો હતો. તમામ નોડલ અધિકારીઓને સોંપાયેલી જવાબદારીઓનું આયોજનબદ્ધ અને અસરકારક અમલીકરણ કરવા માટે પણ તેમણે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ખ્યાતિબેન પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અનિલ વસાવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વર્ષાબેન વસાવા સહિતના તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




