વાલોડ તાલુકાના બેડકુવા ગામે એક આશાસ્પદ યુવકે લગ્ન પ્રસંગ લંબાતા મનમાં લાગી આવતા ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી વિગતો મુજબ, વાલોડ તાલુકાના બેડકુવા ગામના બંગલી ફળીયામાં રહેતા ૨૧ વર્ષીય વિશાલકુમાર છગનભાઈ કોટવાળીયાના લગ્ન ઘાસીયામેંઢા ગામની યુવતી સાથે નક્કી થયા હતા.
લગ્નને લઈને સામાનની ખરીદી કરવાની હતી, પરંતુ કોઈ કારણોસર લગ્નનો સામાન સમયસર ન લેવાતા અને લગ્નની તારીખ લંબાતા વિશાલકુમારને મનમાં ઓછું આવી ગયું હતું. આ બાબતનું દુઃખ લાગતા યુવકે ઘરની બાજુમાં આવેલ એક ખાલી આવાસમાં લોખંડના એંગલ સાથે મંડપના પડદાના ટુકડા વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતા જ વાલોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધીઆગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.જોકે આ કેસમાં વધુ તપાસ માટે FSLની મદદ પણ લેવામાં આવશે.




