મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝર ગામથી થોડી દુર નંદુરબાર તરફ જતાં રોડ ઉપર મોપેડ બાઈક ઉપરથી એક સોનીનાં ચાંદીના ઘરેણાંની ચોરી કરી બે બાઈક ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રનાં નંદુરબારમાં સોનાર ગલીમાં રહેતા રવિન્દ્રભાઈ ગોવિંદભાઈ સોનાર નાંઓ ગત તારીખ 20/01/2024નાં રોજ સાંજના સમયે નિઝર ગામથી એક-બે કિલોમીટરનાં અંતરે નંદુરબાર જતાં રોડ ઉપર પોતાના એકટીવા બાઈક નંબર MH/39/R/4879ને રોડની સાઈડમાં ઉભી રાખી રોડની સાઈડમાં પેશાબ કરવા ઉભા હતા.
તે દરમિયાન મોપેડ બાઈક ઉપર ફૂટ રેસ્ટ પર મુકેલ એક કિલો ચાંદીના દાગીના ભરેલ થેલીને પાછળથી એક કાળા કલરની નંબર પ્લેટ વગરની બજાજ પલ્સર બાઈક ઉપર આવેલ બે અજાણ્યા ઈસમ જેઓની ઉંમર આશરે 25થી 30 વર્ષના હતા અને બાઈક ચલાવતા ઈસમે રાખોડી કલરની ટી-શર્ટ તથા બ્લેક કલરનું પેન્ટ પહેલ હતું તેમજ પાછળ બેસેલ ઈસમે નેવી બ્લુ કલરનું લાલ પટ્ટા વાળું ટી-શર્ટ તથા બ્લેક કલરનું પેન્ટ પહેરેલ હતું અને બંને બાઈક ચાલક સ્પીડમાં આવી મોપેડ બાઈકનાં ફૂટ રેસ્ટ ઉપર મુકેલ આશરે એક કિલો ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા 70,000/- હતી તે ઊંચકી બાઈક આવેલ બંને ઈસમો નંદુરબાર તરફ સ્પીડમાં ભાગી છૂટ્યા હતા. ચોરી અંગે નિઝર પોલીસે રવિન્દ્રભાઈ સોનારની ફરિયાદના આધારે બે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




