જામનગરમાં સાધના કોલોની રોડ પર વસંત વાટિકામાં રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ વિંગ નંબર-1માં ફ્લેટ નંબર 103 માં રહેતા એક વેપારી ઊંચા કમિશનના બહાને છેતરપિંડીનો શિકાર બન્યા છે, અને તેઓએ ત્રણ શખ્સોને રૂપિયા 26,63,634/-નું પિતળ આપ્યા પછી નાણા નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. 
મળતી માહિતી મુજબ, જામનગરમાં વસંત વાટિકામાં રહેતા નિલેશભાઈ કનૈયાલાલ અછડા નામના 41 વર્ષના વેપારીએ જામનગરના સત્યપાલ સિંહ જાડેજા, વનરાજસિંહ વાળા, તેમજ મયુરસિંહ નામના ત્રણ શખ્સોને રૂપિયા 26,63,634/-નો પીતલનો માલ સામાન આપ્યો હતો, અને ત્રણેય શખ્સોએ કમિશનરની લાલચ આપી પીતળનો જથ્થો મેળવી લીધા પછી નાણા ચૂકવવામાં ઠાગાઠૈયા કર્યા હતા.
ત્યાર પછી ફરિયાદી યુવાને ત્રણેય આરોપીઓને વારંવાર મેસેજ કરીને રૂપિયા આપવાની માંગણી કરી હતી. પરંતુ ત્રણેય આરોપીઓ પૈસા આપવામાં બહાના બતાવી રહ્યા હતા. ત્યારબાદ ફોન ઉપાડવાનું તેમજ મેસેજનો જવાબ આપવાનું પણ બંધ કર્યું હતું. જેથી આખરે આ મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો અને ત્રણેય આરોપીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.



