યાત્રાધામ ડાકોરમાં બિરાજતા રાજા રણછોડરાયના દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હોળી અને ધુળેટીના પર્વ નિમિત્તે વિવિધ સ્થળોએથી પદયાત્રા સંઘો ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યાં છે, જેના કારણે ડાકોર તરફ જતા તમામ માર્ગો ભક્તિમય બની ગયા છે. ગાયન અને નૃત્ય સાથે ભક્તો રણછોડરાયની ભક્તિમાં લીન થઈને ડાકોર તરફ આગળ વધી રહ્યા છે. જ્યારે ચંદ્રગ્રહણ હોવાથી આજે ૨ વાગ્યે દર્શન બંધ થયા બાદ બુધવારે સવારે ૬.૪૫ના રોજ દર્શન ખૂલશે. અમદાવાદથી નીકળેલો મૂત કલાકારોનો એક વિશેષ સંઘ હવે ડાકોરની નજીક પહોંચી ગયો છે. આ સંઘ છેલ્લા ૧૩ વર્ષથી સતત ડાકોરની પદયાત્રા કરી રહ્યો છે. 
આ વર્ષે પણ આ સંઘમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા છે. સંઘની સાથે એક ભવ્ય રથ પણ રાખવામાં આવ્યો છે, જેમાં ભગવાન કૃષ્ણની આકર્ષક પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે. ભક્તો લાલજીની મૂત માથે પધરાવીને શ્રદ્ધાપૂર્વક પદયાત્રા કરી રહ્યા છે. પદયાત્રામાં જોડાયેલી મહિલાઓ અને યુવતીઓમાં કૃષ્ણ ભક્તિનો અનોખો રંગ જોવા મળી રહ્યો છે.
સંઘના તમામ સભ્યોએ ખાસ પ્રકારના ગણવેશ ધારણ કર્યા છે, જેમાં મહિલાઓએ ગુલાબી રંગના વસ્ત્રો અને પુરૂષોએ સફેદ રંગના વસ્ત્રો પહેર્યા છે. આ એકસરખા વસ્ત્રોમાં સજ્જ ભક્તોનો સમૂહ માર્ગ પર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ભક્તો હાથમાં ધજા લઈને અને ઢોલ-નગારાના તાલે નાચતા-ગાતા ડાકોર તરફ આગળ વધી રહ્યા છે. આ સંઘમાં કુલ ૧૨૧ જેટલા ભક્તો જોડાયા છે. હાલમાં ડાકોરના તમામ પ્રવેશ માર્ગો પર પદયાત્રીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
આગામી દિવસોમાં ભક્તોની સંખ્યામાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. ડાકોર મંદિર પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા પણ ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે જેથી દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે. જોકે આજે સવારે વહેલી સવારે મંગળા આરતી સમયે આળબંધોમાંથી પસાર કરવામાં આવતા ભક્તોને ઠાકોરજી સુધી પહોંચતા બે ત્રણ કલાક લાગતા હતા. આશરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં મંદિરમાં ત્રણ લાખથી વધુ ભક્તોએ ઠાકોરજીના દર્શનનો લાભ લીધો હતો.




