ગાંધીનગર: દરિયાઈ કાચબાના સંરક્ષણ સાથે સીફૂડ નિકાસને વેગ આપવા ગુજરાતમાં પ્રથમવાર માછીમારોની ફિશિંગ નેટમાં ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ (TED) લગાવવામાં આવશે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ રાજ્યના ૮,૯૨૫ માછીમારોને રૂ.૨૦.૯૬ કરોડના ખર્ચે ૧૦૦ ટકા સરકારી સહાયથી TED વિનામૂલ્યે આપવામાં આવશે.
મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, ટ્રોલનેટમાં લગાવવામાં આવતું TED જાળમાં ફસાયેલા મોટા દરિયાઈ જીવો, ખાસ કરીને કાચબાઓને ‘એક્ઝિટ ફ્લેપ’ મારફતે સુરક્ષિત રીતે બહાર નીકળવામાં મદદ કરશે.
અમેરિકા સહિતના આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતીય જંગલી ઝીંગાની નિકાસમાં દરિયાઈ કાચબાના સંરક્ષણને લઈને પડકારો ઉભા થયા હતા. TEDના ઉપયોગથી કાચબાઓને થતું નુકસાન ઘટાડવામાં મદદ મળશે અને જરૂરી આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેશન મેળવવાની પ્રક્રિયા સરળ બનશે. પરિણામે ગુજરાતના ઝીંગા સહિતના સીફૂડની નિકાસને પણ પ્રોત્સાહન મળવાની આશા છે.
ગુજરાત માટે મંજૂર કરાયેલા TEDનું મોડેલ ICAR-સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ ટેકનોલોજી, કોચી દ્વારા વૈશ્વિક માપદંડોને આધારે તૈયાર કરવામાં આવ્યું છે.




