મતદારોનાં વેરિફિકેશનની પ્રક્રિયા SIRમાં આશરે 13 કરોડ મતદારોના નામની બાદબાકી કરાઇ હોવાના અહેવાલો સામે આવ્યા હતા, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. એવામાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જલ ભુયાને કહ્યું હતું કે, નાગરિકોને મત આપવાના અધિકારોથી દૂર કરી દેતી કોઇ પણ પ્રક્રિયા મનમાની ગણાય. તેનાથી બંધારણના આર્ટિકલ 326 મતદાનનો અધિકાર અને 14 મૌલિક અધિકારનું સીધુ ઉલ્લંઘન થાય છે. હૈદરાબાદની નલસર લો યુનિવર્સિટીમાં પોતાના વક્તવ્યમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જલ ભુયાને મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયા એસઆઇઆર તરફ ઇશારો કરતા કહ્યું હતું કે, ભારતીય નાગરિકોને મત આપવાના અધિકારોથી દૂર કરી દેવામાં આવે કે આ હકથી તેઓ વંચિત રહી જાય તો આવી કોઇ પણ પ્રક્રિયા મનમાનીભરી ગણાય.
બંધારણે નાગરિકોને જે અધિકારો આપ્યા છે તેનું ઉલ્લંઘન પણ ગણાય. લાખો ભારતીય નાગરિકો પાસેથી તેમના મત આપવાના અધિકારોને છીનવી લેતી કોઇ પણ પ્રક્રિયાને યોગ્ય ના જ ઠેરવી શકાય. લોકોના મત આપવાના અધિકારોને છીનવી લેવા બંધારણના મૂળ ઢાંચા પર હુમલો ગણાય. લો યુનિવર્સિટીમાં મૂટ કોર્ટ સ્પર્ધાના સમાપન સમયે સમારોહને સંબોધતી વખતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે વધુમાં કહ્યું હતું કે ભારતનું બંધારણ નાગરિકોને બે હિસ્સામાં નથી વહેંચી રહ્યું, એક મતદાન કરવાનો અધિકાર ધરાવે જ્યારે બીજો આ અધિકારોથી વંચિત રહી જાય તેવું બંધારણ નથી કરતું.
ભારતના કોઇ પણ નાગરિકને મતદાનથી દૂર રાખવો શરીરથી આત્માને દૂર કરવા સમાન છે. આવુ કરવાની કોઇ કોર્ટ પણ મંજૂરી ના આપી શકે. બંધારણથી ઉપર કોઇ જ નથી. જ્યારે કોઇ નાગરિકનું નામ મતદાર યાદીમાં સામેલ થઇ જાય પછી તે મતદારને નોટિસ પાઠવ્યા વગર કે તેને સાંભળ્યા વગર મતદારયાદીમાંથી તેનું નામ હટાવી ના શકાય. બીજી તરફ હાલ કોકરોચ જનતા પાર્ટી, વિપક્ષ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે.
એવામાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને સુપ્રીમના વરીષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ એક સલાહ આપી છે, તેમણે કહ્યું છે કે જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનરના પદેથી હટાવવા માટે કોર્ટમાં જવાની હું તરફેણમાં નથી. હું જ્ઞાનેશ કુમાર સામે કાયદાકીય કાર્યવાહીનો વિરોધ કરું છું, કેમ કે દરેક સમસ્યાનું સમાધાન કોર્ટ નથી. કોર્ટમા અરજી થાય છે, નોટિસ મોકલાય છે, બહુ જ મોડું થાય છે. અંતે અનેક કારણોસર નિર્ણય નથી થઇ શકતો. સિંઘવીએ મુંબઇમાં જ્ઞાનેશ કુમાર સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આંદોલને મોટું સ્વરુપ ધારણ કર્યું તો તેનો વધુ પ્રભાવ પડી શકે છે.(સૌજન્ય)




