Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સરકારે જીએસટી અધિકારીઓ પાસેથી ધરપકડની સત્તા પાછી ખેંચીને વેપારીઓને રાહત આપે તેવી સંભાવના

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દેશમાં ગયા વર્ષે આર્થિક કટોકટી વચ્ચે કેન્દ્ર સરકારે જીએસટી ૨.૦ હેઠળ જીએસટીમાં ચાર રેટની વ્યવસ્થામાં વ્યાપક સુધારા કરતાં બે રેટની વ્યવસ્થા લાગુ કરી હતી. હવે સરકારે જીએસટીમાં એક વર્ષ પછી વધુ મોટા ફેરફારો કરવાની તૈયારી હાથ ધરી છે. સરકાર જીએસટી અધિકારીઓની મનમાની રોકવા તેમની પાસેથી ધરપકડની સત્તા પાછી ખેંચીને વેપારીઓને રાહત આપે તેવી સંભાવના છે. આ સપ્તાહે જીએસટી પરિષદની બેઠકમાં અનેક મોટા સુધારા પર ચર્ચા થશે, જેમાં ફરિયાદની કાર્યવાહી સંબંધિત સુધારાના પેકેજનો સમાવેશ થાય છે. આ સુધારાને સરકારના આગામી પેઢીના જીએસટી સુધારા તરીકે ગણાવવામાં આવી રહ્યા હોવાનું સૂત્રોનું કહેવું છે. જુલાઈ ૨૦૧૭માં જીએસટી દેશભરમાં લાગુ થયાના નવ વર્ષ પછી વધુ એક વખત જીએસટી સિસ્ટમમાં મોટું પરિવર્તન લાવવાની સરકારે તૈયારી કરી છે.

૭ ઓક્ટોબરને બુધવારે જીએસટી પરિષદની ૫૭મી બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ટેક્સ સંબંધિત ગૂનાઓને ડીક્રિમિનલાઈઝ બનાવવાના પ્રસ્તાવ પર ઔપચારિક રીતે વિચાર કરાશે. સાથે જીએસટી કાયદા હેઠળ અધિકારીઓને અપાયેલી વેપારીઓની ધરપકડની સત્તા પાછી ખેંચવામાં આવી શકે છે. એટલે કે હવે વેપારીઓની ધરપકડ કરવા માટે ટેક્સ અધિકારીઓને કોર્ટના આદેશની જરૂર પડશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. રોકાણકારોનો વિશ્વાસ વધારવા અને ટેક્સ અધિકારીઓની મનમાનીના કથિત અતિરેક અંગે વેપારીઓની ચિંતા દૂર કરવા માટે જીએસટી પરિષદની બેઠકમાં આ દરખાસ્ત રજૂ કરવામાં આવી શકે છે. વેપારીઓ અને વ્યાપારિક સંગઠનો જીએસટી કાયદાની આ જોગવાઈઓને વેપારમાં મોટા અવરોધ તરીકે ગણાવી રહ્યા હતા.

તાજેતરના સમયમાં જીએસટીની જોગવાઈઓ હેઠળ અનેક વરિષ્ઠપદો પર બેઠેલા લોકોની ધરપકડ પછી આ મુદ્દો વધુ ગંભીર બની ગયો હતો. જીએસટીમાં વ્યાપક સુધારાઓને પરિષદની મંજૂરી મળી જશે તો કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્રમાં કાયદાકીય સુધારા રજૂ કરશે, જેથી જીએસટી અધિકારીઓ પાસેથી ધરપકડની શરતો ઔપચારિકરૂપે પાછી ખેંચી શકાશે. જોકે, સૂત્રો મુજબ આ અધિકારો હટાવવાથી જીએસટી સિસ્ટમ હકીકતમાં ૨૦૧૭ પહેલાની વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) વ્યવસ્થા જેવી થઈ જશે, જેમાં ટેક્સ અધિકારીઓ દ્વારા ધરપકડની કોઈ જોગવાઈ નહોતી.

આ સાથે ગુનાઈત કેસ શરૂ કરવાની મર્યાદા પણ રૂ.૧ કરોડથી વધારીને રૂ.૫ કરોડ કરવામાં આવી શકે છે. આ ફેરફારની સીધી અસર વેપારીઓ પર પડી શકે છે. કેટલાક ગંભીર કેસોમાં જીએસટી અધિકારી કમિશનર સ્તરના અધિકારીની મંજૂરી પછી જ વેપારીઓની ધરપકડ કરી શકે છે, જેમાં ટેક્સ ચોરી, નકલી ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) લેવા અથવા ખોટી રીતે રિફંડ મેળવવા જેવા કેસો સામેલ છે. સરકાર જીએસટી વ્યવસ્થાને સરળ બનાવવા માટે સુધારાના આગામી તબક્કા પર કામ કરી રહી છે. સપ્ટેમ્બર ૨૦૨૫મા ટેક્સ દરોમાં ફેરફાર પછી હવે નિયમોને સરળ બનાવવા, વેપારીઓનો ખર્ચ ઘટાડવા અને ગુનાની ગંભીરતાના આધારે કાર્યવાહી કરવા પર ભાર મૂકાશે. આ શ્રેણીમાં ધરપકડ અને ક્રિમિનલ કેસો સાથે સંકળાયેલા નિયમોમાં ફેરફારની દરખાસ્ત કરાઈ છે.(સૌજન્ય)