Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

આણંદ : કોલેરાનો એક પોઝીટીવ કેસ મળી આવતા પેટલાદ તાલુકાનાં સીલવાઈ ગામ અને આસપાસનાં બે કિ.મી. વિસ્તારમાં આવતાં ગામો કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આણંદ જિલ્લના પેટલાદ તાલુકાના સીલવાઈ ગામ ખાતે કોલેરાનો એક પોઝીટીવ કેસ મળી આવતા પેટલાદ તાલુકાના સીલવાઈ ગામ અને આસપાસના બે કિ.મી. વિસ્તારમાં આવતા ગામો કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિધ્ધ કરી જરૂરી પગલાં લેવા સાથે પેટલાદના ગ્રામ્ય મામલતદારને કોલેરા નિયંત્રણ અધિકારી જાહેર કર્યા છે. ગત રવિવારના રોજ પેટલાદ તાલુકાના સીલવાઈ ગામના સુર્યપુરા સહિતના આસપાસના વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું હતું અને આ વિસ્તારમાંથી ઝાડા-ઉલ્ટીના 30 કેસ પ્રકાશમાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગની ચાર ટીમો દ્વારા તુરત જ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્રામ પંચાયતના બોરની મોટર બંધ હોઈ આ વિસ્તારના લોકોએ પ્રાઈવેટ બોરની કુંડીના પાણીનો ઉપયોગ કર્યો હોવાને લઈ આ રોગચાળો વકર્યો હોવાનું જાણવા મળતા આરોગ્ય વિભાગની ટીમે પાણીના ત્રણ સેમ્પલ લઈ તપાસ કામગીરી હાથ ધરી હતી. દરમ્યાન સીલવાઈ ખાતેથી કોલેરાનો એક પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા કોલેરાનો ઉપદ્રવ ન વધે તે હેતુથી અને જાહેર આરોગ્યની દ્રષ્ટિએ સાવચેતીના પગલાંરૂપે સીલવાઈને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે.

જિલ્લા કલેક્ટરે સીલવાઈ તથા આસપાસના બે કિ.મી. વિસ્તારના ગામોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરી આગામી તારીખ 06/07/2024 સુધી આ વિસ્તારને ભયગ્રસ્ત જાહેર કરતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. પેટલાદ તાલુકાના સીલવાઈ ગામની નજીક આવતા પાળજ, જેસરવા અને આમોદ ગામમાં પણ આ જાહેરનામું લાગુ પાડવામાં આવ્યું છે અને જાહેરનામા મુજબ આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયતને આ ગામોમાં પણ તકેદારીના પગલાંરૂપે યોગ્ય કામગીરી કરવાના આદેશ કરાયા છે. જે અંતર્ગત ગામમાં ખુલ્લા ખાદ્ય પદાર્થો, પાણીપુરીની લારી વિગેરેનું નિયમિત ધોરણે તપાસણી, ગંદકીનો નિકાલ, દવાઓનો છંટકાવ, બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો અંગે તપાસ, પાણીના સ્રોતની સફાઈ, ગટર લાઈન અને પીવાના પાણીની પાઈપ લાઈનના લીકેજનું રીપેરીંગ સહિતના તકેદારીના પગલાં લેવા આદેશ કરાયા છે.

કોલેરા થવાના કારણો…

ઝાડા-ઉલ્ટી તથા કોલેરા સૂક્ષ્મ જીવાણુથી થતો રોગ છે. નરી આંખે ન દેખાય તેવા અસંખ્ય સૂક્ષ્મ જીવાણું માણસના મળમાં હોય છે. ગંદકીને કારણે આવા સૂક્ષ્મ જીવો પીવાના પાણીમાં કે ખોરાકમાં ભળે અને ખોરાક-પાણીને દૂષિત કરે છે. માખી બેસતી હોય તેવો ખુલ્લો ખોરાક, અસ્વચ્છ હાથ કે નખના મેલ દ્વારા પણ આ સૂક્ષ્મ જીવાણું વ્યક્તિના શરીરમાં પહોંચે છે અને રોગ કરે છે.

કોલેરા અટકાવવાના ઉપાયો…

ઝાડા-ઉલ્ટી અને કોલેરાના વાવર વખતે પાણી ઉકાળીને જ પીવું, બજારુ ખોરાક કે પીણાં લેવાનું ટાળવું, પીવાનું પાણી લેવા માટે ડોયા કે નળવાળું માટલું વાપરવું, નખ કાપેલા રાખવા, સંડાસ ગયા પછી, જમતા પહેલા, રસોઈ બનાવતા અને પીરસતા પહેલાં પાણી સાથે સાબુ કે રાખ ઘસીને હાથ ધોવાની ટેવ રાખવી.