તાજા સમાચાર

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર

ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય: દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી, મધ્ય ગુજરાતમાં ગરમી યથાવત્

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદ: દેશના 16 રાજ્યોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધી ચૂક્યું છે, જ્યારે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ બે હવામાન પ્રણાલીઓ સક્રિય થતાં આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, કચ્છ, દીવ અને પોરબંદર જિલ્લામાં વરસાદી ઝાપટાં વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

મધ્ય ગુજરાતમાં તાપમાન 41 ડિગ્રીને પાર : રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. અમદાવાદમાં મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમરેલીમાં 41.7 ડિગ્રી, ભાવનગરમાં 41.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.2 ડિગ્રી, ગાંધીનગરમાં 40.8 ડિગ્રી, વડોદરામાં 40.9 ડિગ્રી અને રાજકોટમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ડીસામાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે ભુજ અને કચ્છ વિસ્તારમાં તાપમાન 38 થી 38.5 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. સુરતમાં તાપમાન 35.2 ડિગ્રી નોંધાતા તુલનાત્મક રાહત અનુભવાઈ હતી.

ચોમાસું દેશના 16 રાજ્યો સુધી પહોંચ્યું : ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે કેરળ, તમિલનાડુ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ તેમજ ઉત્તર-પૂર્વ ભારતના તમામ સાત રાજ્યોમાં પ્રવેશી ગયું છે.આગામી ત્રણ દિવસ દરમિયાન ચોમાસું ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ સહિતના વિસ્તારોમાં વધુ આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

ઉત્તર ભારતમાં હજુ પણ ગરમીનો પ્રકોપ : ચોમાસાની પ્રગતિ વચ્ચે ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમી અને બફારાથી લોકો પરેશાન બન્યા છે. રાજસ્થાનનું શ્રીગંગાનગર 45.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.આ ઉપરાંત રોહતકમાં 45.2 ડિગ્રી, ફતેહગઢમાં 44.8 ડિગ્રી, વારાણસીમાં 43.6 ડિગ્રી, પટિયાલામાં 42.6 ડિગ્રી અને દિલ્હીમાં 42.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

ઉત્તર ભારતમાં 11 જૂન બાદ રાહતની શક્યતા : હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 11 જૂનથી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. તેની અસર હેઠળ દિલ્હી-એનસીઆર, ઉત્તર-પશ્ચિમ ભારત તેમજ બિહાર સહિત પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે, જેના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળવાની સંભાવના છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં પડ્યો ભારે વરસાદ? : છેલ્લા 24 કલાક દરમિયાન ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયના અનેક વિસ્તારોમાં 12થી 20 સેન્ટીમીટર સુધી ભારે વરસાદ નોંધાયો હતો. જ્યારે કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તટીય આંધ્રપ્રદેશ અને તેલંગાણાના કેટલાક વિસ્તારોમાં 7થી 11 સેન્ટીમીટર વરસાદ નોંધાયો હતો. હાલ ગુજરાત માટે રાહત અને ગરમીનું મિશ્ર ચિત્ર જોવા મળી રહ્યું છે. એક તરફ દક્ષિણ ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે, તો બીજી તરફ મધ્ય ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.