સૌરાષ્ટ્રમાં તાલાલા ગીરથી 11થી 15 કિ.મી.ની ઉત્તર દિશાએ સાસણ ગીર પંથકમાં જમીનમાં માત્ર 4થી 6 કિ.મી.ની ઉંડાઈએ ધરતીમાં સતત હલચલ થઈ રહી છે. આજે વધુ ઉપરાઉપરી 3 આંચકા આ જ વિસ્તારમાં નોંધાયા હતા જેના પગલે લોકોમાં ભય અને ચિંતા સર્જાઈ હતી. તાલાલાથી એક જ દિશામાં સાસણ ગીર વિસ્તારમાં જમીનની સરેરાશ 5 કિ.મી.ની ઉંડાઈએ કોઈ મોટી ફોલ્ટલાઈન કે ફોલ્ટ સક્રિય થયા હોય તેવું અનુમાન છે. બે વર્ષ પહેલા ગત તારીખ 2/5/2022નાં આ જ વિસ્તારમાં માત્ર 4.5 કિ.મી. ઉંડાઈએ 4.0ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો.
ત્યારબાદ તાજેતરમાં ગત તારીખ 16/5/2024નાં આ જ વિસ્તારમાં 6.9 કિ.મી. ઉંડાઈએ 3.2નો ભૂકંપ નોંધાયો છે. આજે તાલાલાથી વિશેષ અહેવાલ મૂજબ 14 કિ.મી.ના અંતરે એ જ વિસ્તારમાં સવારે 4.32ના 1.2, 5.23ના 1.5 અને બપોરે 2.33 વાગ્યે 2.1ની તીવ્રતાના ઉપરીઉપરી ત્રણ હળવા ભૂકંપ નોંધાયા હતા જેનાથી ગ્રામ્ય લોકોમાં ભયની લાગણી સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં આ પહેલા અમરેલીના મિતીયાળા પંથકમાં અને ત્યારબાદ રાજકોટ-શાપર વેરાવળ પંથકમાં ઉપરાઉપરી ભૂકંપોનો સિલસિલો શરૂ થયો હતો. વૈજ્ઞાાનિકો તેનું ચોક્કસ કારણ શોધી શક્યા નથી પરંતુ, આ ભૂકંપો જમીનની ઉપરી સપાટીએ આવતા હોય અને ધરતીના ઉપરી પોપડામાં કોઈ ફ્રેક્ચર કે ફોલ્ટ સર્જાયો હોય તેના કારણે આવતા હોવાનું અને વિનાશક ભૂકંપની શક્યતા નહીવત્ હોવાનું તારણ નીકળ્યું હતું.




