મહીસાગર જિલ્લાનાં અને ખેડા જિલ્લામાં રોડના નિર્માણનું કામ કરી રહેલા એક કોન્ટ્રાક્ટરે ઝાડ પર લટકી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. માર્ગ-મકાન સ્ટેટ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર અને સેક્શન ઓફીસર સહિતના સરકારી કર્મચારીઓ દ્વારા રોડને લગતા જૂના કામોના બિલોના ચુકવણા ન કરીને અને નવા કામો વહેલા પૂર્ણ કરવા વાંરવાર નોટીસો આપી અને માનસિક રીતે હેરાન કર્યા હતા. તો મહીસાગરના લુણાડાની શ્રી રામ બિલ્ડર્સ નામના એજન્સીના વહીવટદારો દ્વારા કામો કરાવી અને તેના ચૂકવણા કર્યા ન હતા. જેના કારણે આત્મહત્યા કરનાર કોન્ટ્રાક્ટર આથક સંકળામણમાં આવી જતા અંતે આ પગલું ભર્યુ હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.
કપડવંજના તૈયરબપુરાથી નાની ઝેર ગામેથી ઘડિયા ગામ તરફ જવાના રોડનું કામ માર્ગ અને મકાન સ્ટેટના કપડવંજ ડિવિઝન દ્વારા એમ. જે. ચૌધરી એજન્સીને સોંપવામાં આવ્યુ હતું. આ એમ.જે. ચૌધરી એજન્સીમાં સબ કોન્ટ્રાક્ટર તરીકે કનુભાઈ સોમાભાઈ પટેલ દ્વારા કામ કરવામાં આવી રહ્ય હતું. આ રોડમાં કનુભાઈ દ્વારા 2023નાં વર્ષમાં વોલ, સી.ડી.વર્ક અને વાયડીંગનું કામ જવાબદાર અધિકારીઓની દેખરેખમાં પૂર્ણ કર્યુ હતું. અંદાજે સવા બે કરોડ રૂપિયાના કામો કર્યા બાદ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા તેનું ચુકવણુ કરવામાં આવતુ નહોતુ. બીજી તરફ રોડનું કામ પૂર્ણ કરવા અધિકારીઓ દ્વારા ઉપરા-છાપરી નોટિસો આપી અને કનુભાઈને દબાણ કરવામાં આવી રહ્યુ હતું.
આ વચ્ચે વારંવાર કનુભાઈ દ્વારા સવા બે કરોડના બિલના ચુકવણા માટે અધિકારીઓને વિનવણી કરવામાં આવતી હતી. પરંતુ અધિકારીઓ બિલો ચુકવતા નહોતા. બીજી તરફ કનુભાઈ પટેલ દ્વારા લુણાવાડની શ્રી રામ બિલ્ડર્સની એજન્સી અંતર્ગત 4.72 કરોડ રૂપિયાના કેટલાક કામો કર્યા હોય, તેના નાણાં લેવાના નીકળતા હતા. આ નાણાં શ્રી રામ બિલ્ડર્સના વહીવટદારો દ્વારા ચુકવાતા નહોતા. આ વચ્ચે કનુભાઈને રોડના કામનું દબાણ થઈ રહ્યુ હોય, તેઓએ અગાઉ વેપારીઓ પાસેથી માલ ખરીદી કર્યો હોય અને પોતાના કોન્ટ્રાક્ટમાં કામ કરતા મજૂરોને પણ નાણાં ચુકવવાના હોય, તે તમામ ખર્ચ ચુકવી શકવા અસમર્થ બન્યા હતા અને લોકોને જવાબ આપી શકતા નહોતા. જેથી આથક સંકળામણમાં આવી અને કનુભાઈ પટેલ દ્વારા આજે નાની ઝેરથી ઘડિયા વચ્ચેના રોડ પર ઝાડ પર લટકી આત્મહત્યા કરવામાં આવી છે.
તેમજ તેમની પાસેથી મળેલી સુસાઈડ નોટમાં આ ઉપરોક્ત તમામ બાબતોનો ઝીણવટ ભર્યો ઉલ્લેખ કરાયો છે. તેમની આ સુસાઈડ નોટથી હવે આત્મહત્યા કરવાના દુષપ્રેરણ બદલ માર્ગ-મકાન સ્ટેટ કપડવંજ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર જીગર કડીયા અને સેક્શન ઓફીસર ગુપ્તા તેમજ શ્રીરામ બિલ્ડર્સના વહીવટદારો સામે ગુનો દાખલ થવાની સંભાવના છે. આ સમગ્ર મામલે ડે.એન્જીનીયર માર્ગ અને મકાન વિભાગ કપડવંજના જીગર કડીય સાથે વાતચીત કરતા તેમણે ધારાસભ્યએ કરેલા આક્ષેપોને ફગાવ્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે, અમે ટકાવારી માગી નથી. મૃતક વિભાગના સીધા કોન્ટ્રાકટર નથી, તેઓ પેટામાં કામ કરે છે.
અગાઉ ઉતરતી ગુણવત્તા યુક્ત કામગીરીને કારણે અમે નોટીસો આપી હતી. તેમજ ધારાસભ્ય કેમ આવુ નિવેદન આપે છે, તે અંગે તેઓ જ જાણતા હશે. આ મામલે મળતી માહિતી મુજબ મૃતક કોન્ટ્રાક્ટર કનુભાઈ પટેલ એમ.જે.ચૌધરી નામની એજન્સીમાં પેટા કોન્ટ્રાક્ટર તરીકે ઘડીયાથી તૈયબપુરા રોડનું કામ કરી રહ્યા હતા. આ ઉપરાંત તેઓ શ્રીરામ કર્ન્ટ્ક્શન નામની એજન્સીમાં ભાગીદાર હતા અને તેના અંતર્ગત પણ બીજા રોડના કામ કરતા હોવાની વિગતો સાંપડી છે. જેના પગલે કપડવંજ અને આસપાસના રોડ અને અન્ય કામોમાં જોડાયેલા કોન્ટ્રાક્ટરો સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય સહિતના કેટલાક અગ્રણીઓ અને કોન્ટ્રાક્ટરો પોસ્ટમોર્ટમ રૂમ પાસે પહોંચ્યા હતા.




