સોશિયલ મીડિયા પર એક જ પ્લેટફોર્મમાં 5 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા ઈન્ફ્લુએન્સર્સને હવે કાનૂની રીતે ‘સેલિબ્રિટી’નો દરજ્જો આપવાની તૈયારી છે.
માર્કેટ રેગ્યુલેટર સેબીએ ફાઈનાન્સિયલ જાહેરાતોના નિયમોમાં ફેરફારનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. નવા નિયમો અમલમાં આવ્યા બાદ આવા ઈન્ફ્લુએન્સર્સ મ્યુચ્યુઅલ ફંડ, શેર અથવા અન્ય રોકાણ ઉત્પાદનો અંગે સીધી સલાહ કે નફાની ગેરંટી આપી શકશે નહીં. તેઓ માત્ર બ્રાન્ડનું પ્રમોશન કરી શકશે.
નવા પ્રસ્તાવમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ, રિયાલિટી શોના વિજેતા-રનરઅપ, ટીવી અને ઓટીટીના જાણીતા એન્કર્સ ઉપરાંત AI આધારિત વર્ચ્યુઅલ અવતારોને પણ સામેલ કરવામાં આવ્યા છે. ભ્રામક જાહેરાતો, ગેરંટીડ પ્રોફિટના દાવા અને રોકાણ માટે લાલચ આપતી ઓફરો પર પણ પ્રતિબંધ રહેશે. સેબીએ ડ્રાફ્ટ પર 14 જુલાઈ 2026 સુધી જનતા અને નિષ્ણાતોના સૂચનો આમંત્રિત કર્યા છે.




