અયોધ્યાના રામ મંદિરમાં ચઢાવવામાં આવેલા દાનમાં કથિત ઉચાપત મામલે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદ બાદ પોલીસે આઠ લોકો સામે FIR નોંધાવી છે. બે મુખ્ય આરોપી લવકુશ મિશ્રા અને અનુકલ્પ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય કેટલાક શંકાસ્પદોને કસ્ટડીમાં લઈ પૂછપરછ ચાલી રહી છે.
પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ચોરી, વિશ્વાસઘાત, છેતરપિંડી અને ગુનાહિત કાવતરાના ગુના નોંધ્યા છે. આરોપો સાબિત થાય તો સંબંધિત કલમો હેઠળ આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે.
આ મામલો 7 જૂને ચર્ચામાં આવ્યો હતો, જ્યારે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે દાનની રકમમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે.




