અમદાવાદઃ નરોડા-હંસપુરા વિસ્તારમાં સ્પામાં ઘૂસેલા પાંચ શખ્સોએ યુવકને માર મારી ચોથા માળેથી નીચે ફેંકી દેતાં તેનું મોત થયું હતું. આ હત્યા કેસમાં પોલીસે વિશાલ બારોટ, કરણ ચુનારા, રોહિત ઉર્ફે ગબ્બર રાજપૂત અને કિશન ચુનારાની ધરપકડ કરી છે, જ્યારે પરેશ વિશ્વકર્મા ફરાર છે.
પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો કે મુખ્ય આરોપી વિશાલ બારોટની પ્રેમિકા ઓઢવના સ્પામાં કામ કરતી હતી. મૃતક યુવક અને તેના સાથી સાથે પ્રેમિકાની થયેલી બોલાચાલીથી વિશાલ રોષે ભરાયો હતો. આ અદાવત રાખી તેણે મિત્રો સાથે મળી યુવક પર હુમલો કરી તેને ચોથા માળેથી ફેંકી દીધો હતો. પોલીસે ઝડપાયેલા આરોપીઓનો અગાઉ પણ ચોરી, મારામારી અને દારૂના ગુનામાં સંડોવણીનો ઇતિહાસ હોવાનું જણાવ્યું છે. ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે.




