Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગીર સોમનાથ, ઉત્તર અને દક્ષિણ જુનાગઢ, પોરબંદર અને દિવમાં ઉંચા મોજા ઉછળવાનું રેડ એલર્ટ જારી કરાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસુ ગતિશીલ બન્યું છે અને અરબી સમુદ્રમાં વાદળોની જમાવટ થઈ છે તો વરસાદનું જોર વધારતું સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય ગુજરાત ઉપરથી આજે સમુદ્ર સપાટીથી 4500 મીટરની ઉંચાઈએ દક્ષિણ ગુજરાત ઉપર ખસ્યું છે અને આ સાથે મધ્ય ગુજરાતથી રાજસ્થાન થઈને પશ્ચિમ બિહાર સુધી ટ્રોફ સહિતની સીસ્ટમ સાથે સૌરાષ્ટ્રનો દરિયો ગાંડોતૂર થયો છે અને બંદરો ઉપર તોફાની મોજા માટે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ મૌસમ વિભાગે જારી કર્યું છે. ગીર સોમનાથ, ઉત્તર અને દક્ષિણ જુનાગઢ, પોરબંદર અને દિવમાં 3.4થી 4.1 મીટર (14 ફૂટ સુધી) ઉંચા મોજા ઉછળવાનું રેડ એલર્ટ જારી કરાયું છે અને નાની બોટ વગેરે નહીં ચલાવવા તથા મનોરંજક પ્રવૃતિઓ સંપૂર્ણ બંધ કરવા સૂચના અપાઈ છે.

દરિયામાં ન્હાવા, કાંઠે ઉભા રહીને ઉછળતા મોજા વચ્ચે સેલ્ફી લેવી જેવી પ્રવૃતિ જોખમી,જીવલેણ નિવડી શકે છે. અમરેલી અને દ્વારકાના દરિયામાં પણ 3.3 મીટર સુધી ઉંચા મોજા ઉછલવાની ચેતવણી જારી કરાઈ છે. ગોમતી ઘાટ જેવા સ્થળોએ તો 20-20 ફૂટ ઉંચા મોજા ઉછળી શકે છે. આ ઉપરાંત ભરૂચ, સુરત અને ભાવનગર દરિયાકાંઠે તીવ્ર મોજા પ્રતિ સેકન્ડ 1.9 મીટરની તીવ્રતાથી આગળ વધે તે માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. રાજ્યના તમામ દરિયા કાંઠેઆગામી બે દિવસ 65 કિ.મી.ની તીવ્ર ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી અપાઈ છે. દરમિયાન ગુજરાતમાં ચોમાસા સાથે હવાની ચક્રાકાર ગતિ ના પગલે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહી છે.

તારીખ 4 જૂલાઈ સુધી સૌરાષ્ટ્ર 50 ટકાથી વધુ વિસ્તારોમાં અને બાકીના ગુજરાતમાં 75 ટકાથી વધુ વિસ્તારોમાં વરસાદની આગાહી છે. જયારે નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ અને બાકીના અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત, જામનગર, જુનાગઢ સહિત બાકીના રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ તીવ્ર પવન અને વિજળીના કડાકાભડાકા સાથે વરસવાની ચેતવણી અપાઈ છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસુ છવાયું છે, આજે નૈઋત્યનું ચોમાસુ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના બાકીના તમામ વિસ્તારો, સમગ્ર દિલ્હી પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર સહિત દેશના 90 ટકા વિસ્તારોમાં રાજસ્થાનમાં જેસલમેર અને જમ્મુ, પઠાણકોટ સુધી પ્રવેશી ચૂક્યું છે.