શેરબજાર ઈતિહાસ બનાવી દીધો છે. સેન્સેક્સે આજે બજારની શરૂઆત થતાં જ પહેલીવાર 80000નો આંકડો વટાવ્યો હતો. વિશ્વ સ્તરે પોઝિટિવ સંકેતો વચ્ચે ભારતીય ઈન્ડેક્સમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને નિફ્ટી ઈન્ડેક્સ પણ આ સાથે 24250ની સપાટીને સ્પર્શી ગઈ હતી. બેન્કોનાં સ્ટોક્સમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. આજે બુધવારે શેરબજારમાં તોફાની શરૂઆત રહી. સેન્સેક્સમાં એકસાથે 481.44 પોઈન્ટ એટલે કે 0.61 ટકાનો ઉછાળો આવ્યો હતો.
તે 79992.89 પર ઓપન થયું અને અમુક જ મિનિટોમાં 597.77 પોઈન્ટના ઉછાળા સાથે 80000ને પાર થઇ ગયું. તે છેલ્લે 80039.22ના લેવલને સ્પર્શી ગયું હતું. મંગળવારે ક્લોઝિંગ વખતે સેન્સેક્સ 0.04 ટકા ગગડી 79441.66ના લેવલે બંધ થયું હતું. જ્યારે નિફ્ટીમાં પણ 0.07 ટકાનો ઘટાડો થયો હતો અને તે 24123.85ના લેવલ પર બંધ થયું હતું. અત્યાર સુધીમાં એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ તથા નેસલે ટોપ ગેનરમાં રહ્યા હતા.




