વડોદરાના અકોટા સ્ટેડિયમ પાસે સ્કૂટર સવાર બે અછોડા તોડો મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી ફરાર થઇ ગયા હતાં. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અકોટા સ્ટેડિયમ પાસે આઇઓસી નગરમાં રહેતા ગીતાબેન મૈનેશભાઇ શેઠ (ઉ.વ.૬૧) સાંજે પતિ સાથે સ્કૂટર પર સિટિ વિસ્તારમાં ખરીદી માટે નીકળ્યા હતાં. માંડવી તેમજ સુલતાનપુરાનું કામ પૂરુ કર્યા બાદ પતિ અને પત્ની ઘેર પરત જતા હતાં. ઘર પાસે સોસાયટીના ગેટ પાસે પહોંચતાં પાછળથી અન્ય સ્કૂટર પર બે શખ્સો આવ્યા હતા.
જે પૈકી પાછળ બેસેલા શખ્સે મહિલાના ગળામાં પહેરેલ સોનાની ચેન પાછળથી ખેંચી તોડીને અકોટા સ્ટેડિયમ તરફ બંને ભાગી ગયા હતાં. સોનાની ચેનનું પેંડલ નીચે પડી જતા પરત મળ્યું હતું પરંતુ આશરે પોણા તોલા વજનની ચેન રૂપિયા ૩૦ હજાર કિંમતની બંને શખ્સો લઇ ગયા હતાં. એક શખ્સે સફેદ શર્ટ કે ટી શર્ટ અને પાછળ બેસેલા શખ્સે કાળા રંગનું ટી શર્ટ પહેર્યું હતું. બનાવ અંગે અકોટા પોલીસે ગુનો નોંધી બંને અછોડાતોડોની તપાસ હાથ ધરી હતી.




